લીવરની બીમારીના કારણે જીવવાની આશા છોડી ચુકેલા કચ્છના શ્રમજીવી યુવાનને “આયુષ્યમાન કાર્ડે” આપ્યું જીવતદાન.
કચ્છના કોટડા(રોહા)ના કાસમભાઇ ખલીફાનું અંદાજીત રૂ.૩૦ લાખના લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સરકારની મદદથી સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-નખત્રાણા કચ્છ.
સરકારની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા થકી વધુ એક પરિવાર ધબકતો થયો.
નખત્રાણા,તા-27 માર્ચ : એકપણ ગરીબ-મધ્યમવર્ગીય નાગરિક આરોગ્ય સેવાથી વંચિત ન રહે અને સમયસર તમામ પ્રકારની આરોગ્ય સેવા નિ:શુલ્ક મળી રહે તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના અમલી કરાયેલી છે. જેના થકી સેકડો નાગરિકોને નવજીવન પ્રાપ્ત થયું છે. આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મેળવીને અનેક નાગરિકો એકપણ રૂપિયોનો ખર્ચ કર્યા વગર વિવિધ રોગથી છૂટકારો મેળવીને પરિવાર સાથે હસીખુશી જીવન વ્યતિત કરી રહ્યા છે. ત્યારે સરકારની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા થકી લીવર ટ્રાન્સપ્લાન્ટના રૂ. ૩૦ લાખનો અંદાજિત ખર્ચ ધરાવતી આ સારવાર કઇ રીતે નિઃશુલ્ક થઈ, તથા કચ્છ જિલ્લાના અંતરિયાળ કોટડા(રોહા)ના શ્રમજીવી કાસમભાઇ ખલીફાને કઇ રીતે સરકારની બે યોજનાએ જીવતદાન આપ્યું અને એક પરિવાર ફરી કઈ રીતે ધબકતો થયો એ માનવીય સંવેદનાને ઉજાગર કરતી કહાણી જાણીશું.નખત્રાણા તાલુકાના કોટડા(રોહા) ગામમાં હેર કટીંગની નાનકડી દુકાન ચલાવીને પોતાના પરીવારનું ભરણપોષણ કરતા કાસમભાઇને અચાનક શરીરમાં શરૂઆતમાં પેટનો દુઃખાવો, પેટનું ફૂલી જવું અને યુરિનલ તકલીફ થઈ. ભુજમાં ખાનગી તબીબને બતાવતા તેમણે લીવરની તકલીફનું નિદાન કરીને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે તેવું જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું. આ ઓપરેશન માટે અમદાવાદ કે મુંબઇ જેવા મોટા શહેરમાં જવું પડશે, જ્યાં અંદાજિત રૂ.૩૦ લાખ આસપાસ ખર્ચ થઈ શકે છે તેવું જણાવતા, હેર કટીંગ કરીને પાતળી કમાણીથી માંડ ઘર ચલાવતા કાસમભાઇએ સારવાર તથા વધુ જીવનની આશા છોડી દીધી !!
કાસમભાઇના દર્દના નિદાન બાદ તેના પારિવારીક ભાઇ અબ્દુલ ખલીફાની મદદથી ગામના આગેવાન ભાવેશભાઇ ગોર તથા ભુજના સામાજિક કાર્યકર મનસુખભાઇ શાહ દ્વારા તેમને જાણવા મળ્યું કે, રૂ.૩૦ લાખનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં કરવાની કોઇ જરૂર નથી. સરકાર એકપણ રૂપિયાના ખર્ચ વગર આયુષ્યમાન કાર્ડ (PMJAY) હેઠળ સમગ્ર સારવાર કરી આપે છે. આ સમાચાર મળતા પરિવારના સભ્યો સહિત કાસમભાઇના આંખમાં હર્ષના આંસુ સાથે નવજીવનની આશા જાગી.આ સમગ્ર સારવાર અને ઓપરેશન માટે કાસમભાઇ પરિવાર સાથે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એચ.એલ.ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગયા, જ્યાં સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે એ નિદાન થયું. આ માટે દર્દીને “ઓ પોઝિટિવ” ગ્રુપનું “લીવર” જોઈશે તેવું કહેવામાં આવ્યું. આ સાથે લીવર ડોનેશન માટે નિયમ મુજબ રજિસ્ટ્રેશન માટે રૂ. ૨ લાખ રૂપિયા ભરવા પડશે તેવું જણાવવામાં આવ્યું. કાસમભાઇ જણાવે છે કે, ઓપરેશન નિશુલ્ક થઇ જશે તે માહિતી બાદ, મેચિંગ ડોનર મેળવવા રજિસ્ટ્રેશન કરાવવા રૂ.૨ લાખ ભરવાની વાતથી ફરી ચિંતા વધી ગઇ, આ સાથે ડોનર કયારે મળશે ? કેવી રીતે બધુ શક્ય થશે તે બાબતે ફરી બધુ ધુંધળું લાગવા માંડ્યું, પરંતુ અહીં જુઓ ફરી વધુ એક સરકારી યોજના કાસમભાઇની મદદે આવી.દર્દી કાસમભાઈ ખલીફા ભીની આંખે કહે છે, “મારી પાસે બીપીએલ કાર્ડ હતું. તબીબોએ કહ્યું, બીપીએલ કાર્ડધારક માટે રજિસ્ટ્રેશન શુલ્ક નિઃશુલ્ક છે.” આ જાણતા જ રાજ્ય સરકાર જીવનના દરેક તબક્કે અને જરૂરીયાત સમયે ગરીબોને મદદરૂપ બનવા સાથે તેના સમગ્ર પરિવારનો પણ આધારસ્તંભ બની રહી છે. તેનો અહેસાસ થયો. દિલથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ માટે દુઆ નીકળી !! એક માસ હોસ્પિટલમાં રહીને પ્રારંભીક સારવાર બાદ અમે લીવર ડોનેશન માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરાવી પરત કચ્છ ફર્યા, પરંતુ હવે ચિંતા એ હતી કે, ડોનરની રાહમાં ઉભેલા મારા જેવા અનેક દર્દીની લાંબી કતાર વચ્ચે મારો વારો કયારે આવશે ? મને સમયસર મારો મારો મેચીંગ ડોનર મળશે કે શું ? તે સવાલો દિલને કોરી ખાતા હતા.બસ, હવે ખુદા પર બધુ છોડી દીધું હતું, ખુદા પણ સરકારની જેમ મારી મદદે આવ્યા હોય તેમ, અકલ્પનીય ઘટના બની, અમદાવાદથી કચ્છ – કોટડા(રોહા) મારા ઘર પહોંચ્યા અને ત્રીજા જ દિવસે “ લીવર ડોનર મળી ગયા છે, તત્કાલ અમદાવાદ પાછા આવી જાઓ એવો મેસેજ હોસ્પિટલમાંથી આવ્યો ”….મારા ખુશીનો કોઇ પાર ન રહ્યો. એક એક્સિડેન્ટ કેસના પેશન્ટનું લીવર મેચ હતું અને મારું અમદાવાદ પહોંચીને તત્કાલ લીવર ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં ઇન ડોર પેશન્ટ તરીકે હું રહ્યો. આ દરમિયાન તમામ દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી અને ઓપરેશન પણ નિઃશુલ્ક.” થયું. આમ, કોઈ પણ ખર્ચ વગર મારું ઓપરેશન એકદમ સફળ રીતે થઈ ગયું. હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તગડો ખર્ચ સાંભળીને મારા દર્દમાંથી હું મુક્ત થઇ શકીશ કે નહીં, જીવીશ કે નહીં તે આશા પણ મે છોડી દીધી હતી. પરંતુ સરકાર મારા માટે મશીહા બનીને મને તમામ મદદ કરી આજે હું ફરી સામાન્ય જીવન જીવી રહ્યો છું. આજે મારો પરિવાર ફરી ધબકતો થયો છે, મારા સાથથી મારી પત્ની અને પુત્રીના ચહેરા હસતા થયા છે. તેના માટે સરકારનો ખૂબ ખૂબ આભારી છું.