KUTCHMANDAVI

કચ્છમાં પ્રાકૃતિક કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે દિશામાં જરૂરી કામગીરી કરીને મહત્તમ ખેડૂતોને જોડવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાનું સૂચન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૯ નવેમ્બર  : ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટરશ્રી અમતિ અરોરા દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્મા કચેરી કચ્છ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે થઈ રહેલી વિવિધ સ્તરીય કામગીરીની વિગતો જિલ્લા કલેક્ટરશ્રીએ મેળવીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી કલ્પેશ મહેશ્વરીએ તમામ સભ્યોને આવકારીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિને આપી હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પ્રાકૃતિક ખેતી સાથે તાજેતરમાં નવા જોડાયેલા ખેડૂતોની સંખ્યા અને તેમની ખેત ઉત્પાદનો માટે વેચાણ વ્યવસ્થા, પાંચ ગ્રામ પંચાયતના કલસ્ટરદીઠ તાલીમ, જિલ્લા અને તાલુકાકક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો, વિકાસ સપ્તાહ દરમિયાન આત્મા કચેરી દ્વારા ખેડૂતો માટે વિશેષ પ્રાકૃતિક ખેતીની તાલીમ વગેરે વિગતો મેળવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામા વિશેષ કામગીરી કરવા ભાર મુક્યો હતો.આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રીએ ખેડૂતલક્ષી યોજનાઓમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રાથમિકતા, પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલ ફાર્મની રચના, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, પ્રાકૃતિક કૃષિનો વિવિધ માધ્યમોથી બહોળો પ્રચાર પ્રસાર, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની જમીનમાં સેન્દ્રિય કાર્બનની ટકાવારી, જમીન નમૂનાઓનું લેબમાં પરિક્ષણ, જીવામૃત અને ઘનામૃત બનાવવા માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સહાય યોજનાઓ અને કલસ્ટર નોડલ અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વગેરે બાબતોની સમીક્ષા કરીને જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ તે રીતે આયોજન કરવા માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અન્ય આવક મળી રહે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે મોડેલ ફાર્મ સ્ટે ઊભા કરવા બાબતને પ્રાથમિકતા આપીને નવા આયામ ઉપર કામગીરી કરવા જણાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિના ખેતર અને વાડીઓના ઓનલાઈન જીઓ ટેગિંગની આત્મા કચેરીની કામગીરીને જિલ્લા કલેક્ટરશ્રીએ બિરદાવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પાંજરાપોળોના સહયોગથી જીવામૃત ઘનામૃત બનાવવા તેમજ સખી મંડળોને આ કામગીરીમાં સહભાગી બનાવી રોજગારીની તકો ઊભી કરવા માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની ઉત્તમ ખેત પેદાશો વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે મનરેગાના સહયોગથી વિવિધ સ્થળોએ વેચાણ કેન્દ્રો ઊભા કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, નાયબ પશુપાલન નિયામકશ્રી આર.ડી.પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણશ્રી પી.કે.પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી મનિષ પરસાણિયા, નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, જિલ્લા રજિસ્ટ્રારશ્રી મેઘા અગરવાલ તેમજ સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!