વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૪ સપ્ટેમ્બર : ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘની તાજેતરમાં ઑનલાઈન કાર્યવાહક (સંકલન) સભા મળેલ. જેમાં તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘોના પેન્શન યોજના અંગે અભિપ્રાય લેવામાં આવ્યા. તમામ જિ.પ્રા.શિ.સંઘોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે નવી પેન્શન યોજના UPS લાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે તથા રાજયમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓ માટે સરકારશ્રી સાથે તા. ૧૬/૦૯/૨૦૨૨ના રોજ થયેલ સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવામાં આવે અને તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવામાં આવે. સમગ્ર દેશમાં ભાજપ શાસિત રાજયોમાં સને. ૨૦૦૫ પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવામાં આવેલ છે જયારે ગુજરાત સરકારે લેખિત બાંહેધરી આપેલ હોવા છતાં પરિપત્ર કરવામાં આવેલ નથી. સરકારશ્રી સાથે સમાધાન થયે આગામી તા.૧૬/૦૯/૨૦૨૪ના રોજ બે વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે જો તા. ૧૬/૦૯/૨૦૨૪ સુધીમાં ઠરાવ બહાર પાડવામાં નહીં આવે તો ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિન પટેલના જણાવ્યા અનુસાર આગામી તા.૧૭/૯/૨૦૨૪ મંગળવારના રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો OPSના લોગો ધારણ કરી શાળમાં ફરજ બજાવશે સાથે તે દિવસની તમામ ઓનલાઇન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. ત્યારબાદ માસ ઓક્ટોબર-૨૦૨૪ ની તા.૬, ૧૩, ૨૦ અને ૨૭ તારીખે એટલે કે દર રવિવારે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ઝોન વાઈઝ એક દિવસીય ધરણાં કાર્યક્રમ બપોરે ૧૨ થી ૪ કલાક સુધી યોજાશે.કચ્છ જિલ્લાના શિક્ષક ભાઈબહેનો ૨૭/૧૦ ના ગાંધીનગર ખાતે હાજર રહી ધરણામાં સામેલ થાશે . ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંગઠન એ શિક્ષણ સહિત શિક્ષકની ચિંતા કરતું આગવું સંગઠન છે. તેથી બાળકોના શિક્ષણની ચિંતા કરી બાળકોનું શિક્ષણ બગડે નહીં તેમજ ઓક્ટોબર માસમાં બાળકોની સત્રાંત પરીક્ષાઓ આવતી હોઈ બાળકોના શિક્ષણના વિશાળ હિતને ધ્યાને લઈ શિક્ષણના ભોગે લડત કાર્યક્રમ નહીં ને ધ્યાને રાખી દર રવિવારે ઝોન વાઈઝ ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવેલ છે.સને.૨૦૦૫ પહેલાંના કર્મચારીઓ માટે જયાં સુધી સરકારશ્રીએ સ્વિકાર્યા મુજબ પરિપત્ર નહીં થાય ત્યાં સુધી આંદોલન કાર્યક્રમ ચાલુ રહેશે તેવો હુંકાર કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ UPS પેન્શન સ્કીમમાં ઘણી બધી ખામીઓ હોઈ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ OPS માટેની માંગણી કરે છે અને જ્યાં સુધી તમામ કર્મચારીઓને OPS નહીં મળે ત્યાં સુધી દેશ લેવલના જે કાંઈ આંદોલન કાર્યક્રમો થશે તેમાં ગુ.રા.પ્રા.શિ.સંઘ જોડાશે.તા.૧૭/૦૯/૨૦૨૪ દેશના વડાપ્રધાન નરેન્દ્ મોદીનો જન્મ દિવસ છે તો તે દિવસે તા.૧૯/૦૯/૨૦૨૨ના રોજ સને. ૨૦૦૫ પહેલાંના કર્મચારીઓ અને શિક્ષકો માટે થયેલ સમાધાનનો પત્ર – પ્રેસનોટ, ફોટોગ્રાફસ ગુજરાતના તમામ શિક્ષકો પોતાના સોશ્યલ મીડિયા પર મૂકવા તેમજ મુખ્યમંત્રી અને કમિટિમાં સમાવિષ્ટ પાંચેય મંત્રીઓને મોકલવા રાજ્ય સંઘ દ્વારા આદેશ કરાયો હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર અને રાજ્યસંઘના પદનામિત હોદ્દેદાર હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel