
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કાયમી ભરતીમાં આળસ અને કરાર આધારિતમાં ‘રોકેટ ગતિ’?: શિક્ષણ વિભાગના બેવડા ધોરણોથી સરકારની છબી ખરડાવાનો પ્રયાસ?
૦૦૦
કાયમી વિદ્યાસહાયક માટે દોઢ માસથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર ન કરી શકનાર તંત્ર કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી માટે માત્ર ૧૦ દિવસમાં પ્રક્રિયા પૂરી કરવા સક્ષમ?
૦૦૦
ટેટ-૧ ના સત્તાવાર આંકડા: ૧,૦૧,૫૨૫ માંથી ૮૦,૬૦૨ ઉમેદવારો અનુત્તીર્ણ, માત્ર ૧% થી પણ ઓછા નાપાસ વિદ્યાર્થીઓના કોર્ટ કેસના બહાને કાયમી ભરતી અટકાવવી કેટલા અંશે વ્યાજબી?
૦૦૦
લાલચુ ટ્યુશન ક્લાસીસ સંચાલકોના બહેકાવવામાં આવી ‘હવનમાં હાડકાં’ નાખતા તત્વો સામે પરીક્ષા બોર્ડ કડક વલણ અપનાવે તેવી ઉઠતી માંગ
૦૦૦
મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ઉચ્ચ અધિકારીઓની ‘ઉંઠાભણાવ’ નીતિઓથી દૂર રહી બાળકોના હિતમાં કાયમી ભરતી પ્રક્રિયા ‘હાથીની શાન’ થી આગળ વધારે તે સમયની માંગ
મુંદરા, તા.૧૧:
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગની અકળ વહીવટી નીતિઓ સામે હવે માત્ર ટેટ પાસ ઉમેદવારો જ નહીં પરંતુ શિક્ષણ જગતના નિષ્ણાતોમાં પણ ભારે આશ્ચર્ય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જૂના જ્ઞાન સહાયકોના ઓર્ડર રીન્યુ કરવાની મંજૂરીના આદેશો બાદ આજે તાત્કાલિક ધોરણે બાકી રહેલી આશરે ૧૦,૦૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન નવી જ્ઞાન સહાયક (પ્રાથમિક)ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આ કરાર આધારિત ભરતીની સમગ્ર પ્રક્રિયા આગામી ૧૦ જ દિવસમાં એટલે કે ૨૦ જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરી દેવાની ગણતરી છે કેમ કે ૨૧ જૂનથી શાળા પ્રવેશોત્સવ છે. આ એજ જગ્યાઓ છે જેના પર કાયમી વિદ્યાસહાયકો (રૂપિયા ૨૬,૦૦૦ ફિક્સ પગાર) ની ભરતી માટે ૧લી એપ્રિલની જાહેરાત બાદ દોઢ માસથી વેરિફિકેશન પણ પૂરું થઈ ગયું છે, તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા માટે શિક્ષણ વિભાગ પાસે સમય નથી, પરંતુ એ જ જગ્યાઓ પર રૂપિયા ૨૧,૦૦૦ ના ઓછા પગારે ૧૧ માસની કરાર આધારિત ભરતી કરવા માટે તંત્ર રાતોરાત ‘રોકેટ ગતિ’ પકડી રહ્યું છે! સરકારની સ્વચ્છ છબીને બહોળા જન સમુદાયમાં ખરડાવવા પાછળ શિક્ષણ ખાતાના જ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ ૩ શિક્ષણમંત્રીઓ સહિત મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપો શિક્ષણવિદોમાં ઉઠી રહ્યા છે.
૧% થી પણ ઓછા અનુત્તીર્ણ ઉમેદવારોના કારણે કાયમી ભરતી અટકાવવી કેટલા અંશે વ્યાજબી?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટેટ-૧ ના સત્તાવાર પરિણામના આંકડા ચોંકાવનારા છે. કુલ ૧,૦૧,૫૨૫ રજિસ્ટર્ડ ઉમેદવારોમાંથી ૯૧,૬૨૮ એ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર ૧૧,૦૨૭ (૧૨.૦૩%) ઉમેદવારો જ ક્વોલિફાય (પાસ) થઈ શક્યા છે. જ્યારે ૮૦,૬૦૨ જેટલા ઉમેદવારો પાસિંગ માર્ક્સ પણ લાવી શક્યા નથી. હકીકત એ છે કે આ ૮૦,૦૦૦ નાપાસ ઉમેદવારોમાંથી માંડ ૧% થી પણ ઓછા (૮૦૦ થી ઓછા) વિદ્યાર્થીઓ જેઓ બોર્ડર લાઈનથી થોડા માર્ક્સ માટે રહી ગયા છે તેઓ ઓનલાઈન ક્લાસીસ ચલાવતા લાલચુ સંચાલકોની ઉશ્કેરણીનો ભોગ બન્યા છે. આ તત્વોએ પારદર્શક રીતે જાહેર થયેલી ફાઈનલ આન્સર-કી સામે કોર્ટ કેસ કરીને આખી કાયમી ભરતી પ્રક્રિયાને અટકાવવાનો હીન પ્રયાસ કર્યો છે જે સામાજિક રીતે ‘હવનમાં હાડકાં નાખવા’ સમાન છે. જો આ ઉમેદવારોના ૨-૫ માર્ક વધારવામાં આવે તો પણ તેઓ મેરિટ કે વેઈટિંગ લિસ્ટમાં પણ આવી શકે તેમ નથી આમ છતાં પણ તેમના બહાને કાયમી ભરતી અટકાવી રાખવી કેટલા અંશે વ્યાજબી છે?
વિદ્યાર્થીઓનું હિત કે અબજોનું આર્થિક સામ્રાજ્ય? આવા ક્લાસીસ સંચાલકો પર આઈ.ટી. તપાસની માંગ!
અહીં એ પણ વિચારવાની જરૂર છે કે ક્લાસ-૧ જેવી પ્રતિષ્ઠિત સરકારી નોકરીઓ છોડીને ઓનલાઈન ક્લાસીસના નામે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનારા તમામ સંચાલકો કંઈ સાચા ‘ગુરુ’ નથી હોતા. આમાંના કેટલાક પૈસાના લાલચુ અને લેભાગુ તત્વોનો અસલી ધંધો જ વિદ્યાર્થીઓની નિષ્ફળતા અને મૂંઝવણ પર ટકેલો છે. જો તમામ વિદ્યાર્થીઓ એક જ ટ્રાયમાં પાસ થઈ જાય અને કાયમી ભરતીઓ સમયસર પૂરી થઈ જાય તો આ ઓનલાઈન એપ્લિકેશન્સ વાળા મોંઘા કોર્સ કોણ ખરીદશે? પોતાની નવી બેચો વેચવા અને યુટ્યુબ-ટેલિગ્રામ પર વ્યુઝ મેળવવા માટે જ આવા તત્વો નિર્દોષ વિદ્યાર્થીઓને કોર્ટ-કચેરીના અવળા માર્ગે ચડાવી રહ્યાના આક્ષેપો સાથે જાગૃત વાલીઓએ એવી માંગ કરી છે કે જો રાજ્ય સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ, એપ્લિકેશન ફી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મસમોટી ટેક્સ ચોરી અને ચોંકાવનારી આર્થિક ગેરરીતિઓ બહાર આવવાની શક્યતા છે. સરકારે આવા તત્વોની ઉશ્કેરણીથી પ્રભાવિત થયા વગર કાયદાનો આશરો લઈ દેશી ભાષામાં કહીએ તો ‘હવનમાં હાડકાં નાખતા’ આવા અવળચંડા તત્વોને જમીન પર લાવી અને પ્રમાણિક ઉમેદવારોના હિતનું રક્ષણ કરવાની ખાસ જરૂર છે.
પરીક્ષા બોર્ડની અદભુત પારદર્શકતા સામે અવરોધ કેમ?
સામાન્ય રીતે ધોરણ ૧૦, ૧૨, પીટીસી, ગ્રેજ્યુએશન કે બી.એડ.ની મુખ્ય પરીક્ષાઓમાં ક્યારેય પ્રોવિઝનલ કે ફાઈનલ આન્સર-કી અપાતી નથી સીધું પરિણામ જ જાહેર થાય છે. તેની સામે રાજ્ય પરીક્ષા બોર્ડે અત્યંત ઉદારતા અને પારદર્શકતા વાપરીને પહેલા પ્રોવિઝનલ આન્સર-કી આપી, ઉમેદવારોના વાંધા સાંભળ્યા, અને એકથી વધુ સાચા લાગતા જવાબોમાં સુધારો પણ કર્યો સાથે ઉમેદવારોની જવાબ(OMR) શીટ પણ ઓનલાઈન મૂકીને પારદર્શકતા બતાવી. જયારે ભારતમાં કથિત પેપર લીકની ઘટનાઓ બાદ પરીક્ષા રદ કરવાના કઠિન નિર્ણયો લેવા પડે છે ત્યારે ગુજરાત પરીક્ષા બોર્ડે આટલી ગોપનીયતા અને ચોકસાઈથી જે કામ કર્યું છે તે ખરેખર સરાહનીય છે. આવા સમયે મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ કોર્ટ કેસની ધમકી આપી મીડિયામાં રોફ જમાવે તેનાથી ડરીને ભરતી બોર્ડે “શાહી-હાથી”ની સવારી રોકવાની જરાયે જરૂર નથી. (સામાન્ય રીતે હાથી પાછળ કુતરા ભસે અને એ તેનો સ્વભાવ છે!) ન્યાયતંત્રએ પણ આવા ગેરવ્યાજબી અને બેબુનિયાદ વાંધા લેનારા અવળચંડા તત્વો સામે ખોટો વાંધો સાબિત થાય તો કોર્ટ અને (શિક્ષણ) કચેરીનો કિંમતી સમય વેડફવા બદલ કાયમી ધોરણે આવી પરીક્ષામાંથી ગેરલાયક ઠરાવતો ધાક બેસાડતો ચુકાદો આપવો જોઈએ જેથી ભવિષ્યમાં પણ બીજા કોઈ ‘હવનમાં હાડકાં’ નાખવાનો હીન પ્રયાસ ન કરે.
“જ્ઞાન સહાયક” એ કાયમી ઉકેલ નથી: શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને નમ્ર અપીલ
કચ્છ જેવા સરહદી જિલ્લામાં જ્યાં અગાઉથી જ ૨૨૦૦ જેટલી શિક્ષકોની ઘટ છે અને બદલી કેમ્પના કારણે વધુ ૧૦૦૦ જેટલા શિક્ષકો વતન ચાલ્યા જવાની સંભાવના છે ત્યાં માત્ર કરાર આધારિત જ્ઞાન સહાયકોથી ગાડું ગબડાવવું એ પાયાના શિક્ષણ સાથે ગંભીર ચેડાં સમાન છે. ધોરણ ૧ થી ૫ ના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ૧૧ માસના કરાર આધારિત ટૂંકાગાળાના જ્ઞાન શિક્ષકો નહિ પણ કાયમી વિદ્યા શિક્ષકોની જરૂર છે.
હવે સમય પાકી ગયો છે કે વિદ્વાન શિક્ષણમંત્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે અંગત રસ લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને કોર્ટ મેટરના ખોટા બહાના બાજુ પર મૂકી (કાયદો કાયદાનું કામ સમયસર કરશે જ એમ સ્વીકારી) “રોકેટ ગતિ” થી કાયમી વિદ્યાસહાયકનું જનરલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી સમયસર ભરતી કરવા આદેશ આપવા જોઈએ. વહીવટી તંત્ર પણ પોતાની ગોકળગાયની ગતિ છોડીને હાથીની જેમ શાંતિ અને શાનથી વહેલી તકે કામગીરી પૂર્ણ કરશે તો જ ગુજરાતના ભૂલકાઓનું હિત જળવાશે અને બહોળા જનસમુદાયનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


