KUTCHMUNDRA

મુંદરા-બારોઈ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: સતાપક્ષે સૌથી વધુ મતો મેળવનાર પ્રકાશભાઈ ઠક્કરને પ્રમુખ બનાવવા લોહાણા સમાજની માંગ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરા-બારોઈ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: સતાપક્ષે સૌથી વધુ મતો મેળવનાર પ્રકાશભાઈ ઠક્કરને પ્રમુખ બનાવવા લોહાણા સમાજની માંગ

 

મુંદરા, તા. 28:

મુંદરા-બારોઈ નગરપાલિકાની વર્ષ 2026ની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે જેમાં જનતાએ ફરી એકવાર વિકાસની રાજનીતિ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. નગરપાલિકાની રચના બાદ યોજાયેલી આ બીજી મહત્વની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 19 બેઠકો મેળવીને પોતાની બહુમતી જાળવી રાખી છે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 9 બેઠકો પર જીત મેળવી છે. ભાજપના શાસનકાળ દરમિયાન થયેલા લોકઉપયોગી કાર્યો અને આધુનિક માળખાકીય સુવિધાઓને કારણે મતદારોએ વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનમત આપ્યો છે. લોકશાહીની મજબૂતી માટે જાગૃત વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના 9 સભ્યો પણ ચૂંટાયા છે જેમના પાસેથી પ્રજાલક્ષી કાર્યોમાં સક્રિય યોગદાનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વોર્ડ-1માં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે જેમાં જાવેદ પઠાણ, નીમીતાબેન પાતારીયા, ફારૂક સુમરા અને શારદાબેન મહેશ્વરીનો સમાવેશ થાય છે. વોર્ડ-2માં ભાજપની પૂરેપૂરી પેનલે જીત મેળવી છે જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા, આશાબેન સોરઠીયા, ભોજરાજ ગઢવી અને ચાગબાઇ ફફલ ચૂંટાઈ આવ્યા છે. વોર્ડ-3માં મિશ્ર પરિણામ જોવા મળ્યું છે જેમાં ભાજપના પુજાબા રાઠોડ, જીવણજી જાડેજા, લક્ષ્મીબેન ગઢવી અને કોંગ્રેસના ઇમ્તિયાઝ સુમરા વિજયી બન્યા છે. વોર્ડ-4માં ઇમરાન જત, ઇમરાન ખત્રી, માનબાઇ સોંધરા અને સલીમા ખોજાની કોંગ્રેસની પેનલે જવલંત સફળતા મેળવી છે. વોર્ડ-5માં પ્રકાશભાઈ ઠક્કર, રાજેશ માલમ, રચનાબેન જોષી અને હિનલબેન કષ્ટાની ભાજપની પેનલ વિજેતા બની છે. વોર્ડ-6માં નરેન્દ્રસિંહ પરમાર, જીજ્ઞાબેન જોશી, ડાયાલાલ ગોહિલ અને મોહિનિ ચુડાસમા તથા વોર્ડ-7માં અલ્પાબા ચુડાસમા, દીલીપભાઈ ગોર, પ્રકાશભાઈ પાટીદાર અને નયનાબેન સોલંકીની ભાજપની પેનલોએ વિજય પતાકા લહેરાવી છે.

આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે ભાજપના તમામ વિજેતા ઉમેદવારોમાં મુંદરા લોહાણા સમાજનું ગૌરવ એવા શ્રી પ્રકાશભાઈ ગોપાલજી ઠક્કર સૌથી વધુ મતો મેળવીને પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા છે. આ ભવ્ય જીત બાદ મુંદરા લોહાણા સમાજના પ્રમુખશ્રી કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણીએ તમામ નવ-નિર્વાચિત પ્રતિનિધિઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે લોહાણા સમાજને માત્ર એક જ ટિકિટ મળી હોવા છતાં પક્ષની શિસ્ત અને પ્રણાલીને માન આપીને સમાજે ભાજપને મજબૂત સાથ આપ્યો છે. ભાજપ તરફથી સૌથી વધુ જનમત મેળવનાર અને પક્ષ પ્રત્યે હંમેશા વફાદાર રહેનાર એવા પ્રકાશભાઈ ઠક્કર (સત્યમ)ની લોકપ્રિયતા અને તેમની સેવાઓને ધ્યાનમાં લઈને પક્ષના મોવડી મંડળ દ્વારા તેમને નગરપાલિકાના પ્રથમ સત્રના પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવે તેવી લોહાણા સમાજ વતી આગ્રહભરી અપીલ કરવામાં આવી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!