KUTCHMUNDRA

“કચ્છ એટલે માત્ર ભૂમિ નહીં, પરંતુ રાષ્ટ્રહિતને સર્વોપરી માનનારી એક જીવંત વિચારધારા છે.”

📜 ૧ જૂન : કચ્છના લોકશાહી યુગનો પ્રારંભ અને વિકાસનો સુવર્ણ સંગમ 📜

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

દિન વિશેષ – ૧લી જૂન :

 

📜 ૧ જૂન : કચ્છના લોકશાહી યુગનો પ્રારંભ અને વિકાસનો સુવર્ણ સંગમ 📜

 

“કચ્છ એટલે માત્ર ભૂમિ નહીં, પરંતુ રાષ્ટ્રહિતને સર્વોપરી માનનારી એક જીવંત વિચારધારા છે.”

 

મુંદરા, તા. 1 જૂન 26: 

દર વર્ષે જ્યારે ૧ જૂન આવે છે ત્યારે કચ્છી માડુઓ માટે ઇતિહાસનું એક અતિ મહત્ત્વપૂર્ણ પાનું જીવંત થઈ ઊઠે છે. ભારત ભલે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયું પરંતુ કચ્છના વહીવટી અને રાજકીય જીવનમાં એક નવો સૂર્યોદય “૧ જૂન ૧૯૪૮” ના રોજ થયો જ્યારે કચ્છનું ભારત સંઘ સાથે સંપૂર્ણ એકીકરણ થયું.

 

 🤝 અખંડ ભારતમાં વિલીનીકરણ અને રાજવીની દૂરંદેશી :

દેશના એકીકરણના મહાન શિલ્પી “સરદાર વલ્લભભાઈ પટેલની” રાષ્ટ્રએકતાની દૃષ્ટિ અને કચ્છના તત્કાલીન મહારાવશ્રી મદનસિંહજીની પરિપક્વતાના કારણે આ ઐતિહાસિક પરિવર્તન આવ્યું. કોઈ પણ દબાણ વગર માત્ર કચ્છની પ્રજાના ઉજ્જવળ ભવિષ્ય, સુરક્ષા અને લોકકલ્યાણને ધ્યાનમાં રાખીને મહારાવશ્રીએ વિલીનીકરણના દસ્તાવેજ પર સહી કરી. ૧ જૂન ૧૯૪૮ના રોજ સત્તાવાર રીતે કચ્છનો વહીવટ ભારત સરકારને સોંપાયો અને કચ્છ ‘સી’ સ્ટેટ (મુખ્ય કમિશનર શાસિત પ્રદેશ) તરીકે લોકશાહીના પંથે આગળ વધ્યું. આ નિર્ણય દુરંદેશી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે.

 

🏗️ વિકાસના પંથે ડગ: રુદ્રમાતા ડેમનું લોકાર્પણ (૧ જૂન, ૧૯૫૯)

લોકશાહી યુગની શરૂઆત બાદ કચ્છના વિકાસના દ્વાર ખુલ્યા. આ જ તારીખ એટલે કે ૧ જૂન, ૧૯૫૯ ના રોજ કચ્છના સિંચાઈ અને ખેતીના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું. કચ્છના સૌથી મોટા સિંચાઈ પ્રોજેક્ટ પૈકીના એક એવા ખારી નદી પર બનેલા રુદ્રમાતા ડેમનું લોકાર્પણ મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણના હસ્તે કરવામાં આવ્યું હતું જેણે ભુજ અને આસપાસના વિસ્તારની ભૌગોલિક કાયાપલટ કરી નાખી.

 

🥛 વૈશ્વિક સંદર્ભ: વિશ્વ દૂધ દિવસ – ‘રણના જહાજ’ ઊંટનું દૂધ અને માલધારી સંસ્કૃતિ :

૧ જૂન એટલે ‘વિશ્વ દૂધ દિવસ’. જ્યારે દૂધ અને પોષણના મહત્વની વૈશ્વિક ચર્ચા થતી હોય ત્યારે કચ્છના માલધારીઓ અને અહીંની વિશિષ્ટ પશુપાલન સંસ્કૃતિ આકર્ષણનું કેન્દ્ર બને છે:

 * શ્વેત ક્રાંતિના અનોખા રંગ: કચ્છી ગાય અને દેશભરમાં પ્રખ્યાત બન્નીની ભેંસોની સાથે કચ્છની આગવી ઓળખ સમાન ‘રણના જહાજ’ એટલે કે ઊંટના દૂધનું મહત્વ આજના દિવસે વિશેષ રૂપે ઉજાગર થાય છે. કપરી આબોહવા અને પાણીની અછત વચ્ચે પણ ઊંટપાલન એ અસંખ્ય પરિવારોની આજીવિકાનો મજબૂત આધાર છે.

 * આરોગ્યપ્રદ ગુણો અને આધુનિક પ્રોડક્ટ્સ: ઊંટના દૂધમાં રહેલા વિપુલ પોષકતત્ત્વો અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણને કારણે આજે શહેરોમાં પણ તેની માંગ ખૂબ વધી છે. હવે પરંપરાગત વ્યવસાયથી આગળ વધીને ડેરીઓ દ્વારા તેનું એકત્રીકરણ કરીને પેકિંગ દૂધ, ફ્લેવર્ડ મિલ્ક, આઈસક્રીમ, ચોકલેટ, દહીં અને મિલ્ક પાવડર જેવા આધુનિક હેલ્થડ્રિન્ક્સ તૈયાર થઈ રહ્યા છે, જે માલધારીઓ માટે પૂરક આવકના નવા દ્વાર ખોલે છે. 

 

💭 વાત-વાતમાં યાદ આવ્યું… (એક રોચક સ્મરણ):

ઊંટના દૂધની ગુણવત્તા વિશેનો એક પ્રત્યક્ષ કિસ્સો અહીં યાદ કરવા જેવો છે. ૨૦૦૧ના ભૂકંપ પહેલા એક પ્રવાસ દરમિયાન રસ્તા વચ્ચે જ્યારે ઊંટનું ટોળું મળ્યું ત્યારે ઊંટડીના દૂધના શોખીન અને તેના સ્વાસ્થ્યવર્ધક ગુણોથી પરિચિત એક જાગૃત તબીબે (ડોક્ટરે) ઊંટના માલિકને દૂધના ભાવ કરતા બમણા પૈસા આપીને ઊભેલા ઊંટના તાજા દૂધનો સીધો જ સ્વાદ માણ્યો હતો! તે સમયે કદાચ આ વાત કોઈને અજુગતી લાગે પણ આજે જ્યારે તબીબી વિજ્ઞાન અને દુનિયા ઊંટના દૂધના અદ્ભુત પોષકતત્ત્વો અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો સ્વીકારી રહી છે ત્યારે સમજાય છે કે એ તબીબની સમજણ અને દૂધની પરખ કેટલી સાચી અને સમય કરતાં આગળ હતી!

 

 * સંસ્કૃતિનું જતન અને પ્રોત્સાહનની જરૂર: કચ્છના પશુપાલકોના મતે આ પરંપરાગત વ્યવસાય માત્ર આજીવિકા નથી પણ આપણી સંસ્કૃતિનું ઘરેણું છે. જો માલધારી પરિવારોને પૂરતા ચરિયાણ (ગૌચર) અને પાણીની સુવિધા જેવું યોગ્ય પ્રોત્સાહન મળે તો આ વિશિષ્ટ વ્યવસાય વૈશ્વિક સ્તરે કચ્છનું નામ વધુ રોશન કરી શકે તેમ છે.

 

⭐ આજનો સંદેશ અને શુભેચ્છાઓ ⭐

૧ જૂન એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી પરંતુ કચ્છની અસ્મિતા, લોકશાહી અધિકારોની પ્રાપ્તિ, શ્વેત ક્રાંતિ અને પ્રગતિનો ત્રિવેણી સંગમ છે. આપણી ઓળખ માત્ર વિશાળ રણ કે સમૃદ્ધ સંસ્કૃતિથી જ નહીં પણ રાષ્ટ્રહિત અને પ્રકૃતિ સાથે તાલ મિલાવીને લીધેલા સમજદારીભર્યા નિર્ણયોથી છે.

આજના આ ગૌરવશાળી અવસરે આપણે દેશના લોકશાહી શિલ્પીઓ, દેશભક્ત રાજવી પરિવાર, જમીન સાથે જોડાયેલા ખુદ્દાર માલધારીઓ અને સ્વાતંત્ર્યપ્રેમી અગ્રણીઓને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીએ. આવો આપણે સૌ સાથે મળીને ‘આપણું કચ્છ’ પ્લેટફોર્મના માધ્યમથી કચ્છના સર્વાંગી વિકાસ અને ભવ્ય વારસાને વધુ આગળ ધપાવવા નવો સંકલ્પ લઈએ.

“જેમણે પોતાની અસલ જન્મ તારીખના બદલે શિક્ષકોની મહેરબાનીથી શાળાના રજીસ્ટર પર નોંધાયેલ ૧લી જૂનના જન્મદિવસ ઉજવી રહ્યા છે એવા તમામ મિત્રો અને વડીલોને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આજના દિવસે તમે બધા જીવતા રહો, હસતા રહો અને સદાબહાર સ્વસ્થ રહો એવી અઢળક શુભેચ્છાઓ ! 🎂💐”

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!