વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૮ નવેમ્બર : મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અમલીકરણ છે. જે અન્વયે 5 પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડાની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગની આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતીની તૈયારી કરતી મહિલા ઉમેદવારને શારીરિક કસોટી અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન કોમર્સ કોલેજ ભુજ ખાતે “મિશન ખાખી” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડાએ સેમિનાર બાદ શારીરિક તથા લેખિત પરીક્ષા સુધી ઉમેદવારોની આઉટડોર પ્રેકટીસ, વાંચન તથા અન્ય તમામ પ્રકારની સુવિધા પુરી પાડવામાં પોલીસ વિભાગ મદદરૂપ બનશે તેવી ખાતરી આપી હતી. વધુમાં તેમણે પોલીસ વિભાગ વિશે જરૂરી માહિતી પૂરી પાડતા મહિલા ઉમેદવારોને લક્ષ્યને પામવા માટે ખંતપૂર્વક મહેનત કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાર્થ ચોવટીયાએ મિશન ખાખીનો હેતુ માત્ર વર્દી ધારણ કરવાનો નહીં પરંતુ લોકોને ત્વરીત સેવા અને ન્યાય આપવાનો હોવો જોઇએ તેવું સમજાવતા મહિલા ઉમેદવારોને સફળતા-નિષ્ફળતાને મૂલવવાના બદલે ખુદને સતત પ્રોત્સાહિત કરતા રહેવા પર ભાર મૂકયો હતો.કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી પારસ બોડાએ મહિલા સશક્તિકરણ વિશે વાત કરીને પોલીસની ભરતીમાં થયેલા નવા સુધારા, ભર્તી માળખામાં થયેલા ફેરફાર, પરીક્ષાના તબક્કા, ઉમેદવારનું ક્વોલીફેકશન, વય, લેખિત પરીક્ષાના વિષયો, કઇ રીતે તૈયારી કરવી ઉપરાંત ભરતીમાં શું બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે અંગે ઝીણવટભરી વિગતોની છણાવટ કરી હતી. તેમણે ઉમેદવારોને અન્યો સાથે નહીં પરંતુ ખૂદની જાત સાથે જ સ્પર્ધા કરવા પર ભાર મૂક્યો હતો.શી ટીમના મહિલા કર્મચારીશ્રીઓ દ્વારા સેમિનારમાં શારીરિક કસોટી, ડાયેટ સહિતની તમામ સંલગ્ન માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ સાથે મહિલા ઉમેદવારોએ મૂંઝવતા પ્રશ્નો તજજ્ઞોને પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીશ્રી ભરત મકવાણા, મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન કોમર્સ કોલેજના ટ્રસ્ટીશ્રી ર્કિતીભાઇ વરસાણી, કોલેજના પ્રિન્સીપાલશ્રી હિનાબેન ગંગર, પીએસઆઇશ્રી ઉષાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઇ સોલંકી તથા ડીએમસી ફોરમબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.