
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ
મુંદરામાં ફ્લાયવિંગ ફાઉન્ડેશન દ્વારા ૨૩ ઓગસ્ટના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
મુંદરા, તા. ૨૧:
સામાજિક અને તબીબી સેવા ક્ષેત્રે અગ્રેસર ફ્લાયવિંગ ફાઉન્ડેશન – મુંદરા દ્વારા ગાંધી સર્જિકલ હોસ્પિટલ, શ્વાસ હોસ્પિટલ, ગાંધી નેત્રાલય તેમજ રેફરલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુંદરાના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ ‘નિઃશુલ્ક મહા મેડિકલ ડાયગ્નોસ્ટિક અને સારવાર કેમ્પ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી ૨૩ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર ના રોજ મુંદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મુંદરા તાલુકા સહિત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો તેમજ શ્રમિક વર્ગને એક જ સ્થળે નિષ્ણાત તબીબો દ્વારા ઉત્કૃષ્ટ અને નિઃશુલ્ક સારવાર તેમજ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
આ મહા મેડિકલ કેમ્પમાં વિવિધ વિષયના નિષ્ણાત ડૉક્ટરો પોતાની સેવાઓ આપશે. જેમાં જનરલ સર્જરી ક્ષેત્રે ૪૦ વર્ષથી વધુ બહોળો અનુભવ ધરાવતા વરિષ્ઠ સર્જન ડૉ. રાજેશ ગાંધી (M.S.) અને ફિઝિશિયન ડૉ. શીતલ ગાંધી (M.D.) દ્વારા હર્નિયા, એપેન્ડિક્સ, મસા/ભગંદર, પિત્તાશયની પથરી અને જટિલ સર્જિકલ બીમારીઓનું ચોક્કસ નિદાન કરવામાં આવશે. જનરલ મેડિસીન અને રુમેટોલોજી વિભાગમાં ડૉ. દેવાંશ ખાંડોલ (M.D.) દ્વારા શુગર, બીપી, સાંધાના દુખાવા, વા અને જનરલ બીમારીઓની તપાસ થશે. આ ઉપરાંત ફેફસાં અને એલર્જી વિભાગના પલ્મોનોલોજિસ્ટ ડૉ. પાર્થ પટેલ દ્વારા દમા, અસ્થમા, જૂની ઉધરસ અને શ્વાસની બીમારીઓ માટે મફત PFT/સ્પાયરોમેટ્રી તપાસ કરી આપવામાં આવશે.
આંખોની બીમારી માટે ગાંધી નેત્રાલયના ડૉ. અનવય ગાંધી (M.S.) અને ડૉ. સ્મૃતિ ગાંધી (M.S.) દ્વારા ચશ્માના નંબર, મોતિયાબિંદ તેમજ રેટિના સંબંધિત તપાસ કરવામાં આવશે. તેમજ CHC મુંદરાના અધિક્ષક ડૉ. મંથન ફાફલ, ડૉ. જીગ્નેશ ફફલ અને દંત ચિકિત્સક ડૉ. હર્ષ મોદી પણ ઉપસ્થિત રહીને દર્દીઓને તબીબી સેવાઓ આપશે.
ફ્લાયવિંગ ફાઉન્ડેશનના પ્રમુખ ગીતા બાપટ એ જણાવ્યું હતું કે, આ કેમ્પ મુંદરા તાલુકાના જરૂરિયાતમંદ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કેમ્પમાં આવનાર તમામ દર્દીઓએ પોતાના જૂના કેસ પેપર કે તબીબી રિપોર્ટ સાથે લાવવાના રહેશે. આ કેમ્પ માટે દર્દીઓએ ભૂખ્યા પેટે આવવાની જરૂર નથી. મુંદરા તાલુકાના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો મહત્તમ લાભ લેવા ફ્લાયવિંગ ફાઉન્ડેશન પરિવાર તરફથી નમ્ર અપીલ કરવામાં આવી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




