
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા-બારોઈ નગરપાલિકામાં ભાજપનો કેસરીયો: સૌથી વધુ મતો મેળવનાર પ્રકાશભાઈ ઠક્કરનું લોહાણા મહાજન દ્વારા ભવ્ય સન્માન
પક્ષ પ્રત્યેની વફાદારી અને જનસેવાને ધ્યાને રાખી નગરપાલિકાની કારોબારીમાં મહત્વનું સ્થાન આપવા લોહાણા સમાજની માંગ
મુંદરા, તા. 1: મુંદરા-બારોઈ નગરપાલિકાની વર્ષ ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૯ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોમાં સૌથી વધુ ૧૫૯૫ મતો મેળવીને ઐતિહાસિક જીત હાંસલ કરનાર લોહાણા સમાજનું ગૌરવ એવા શ્રી પ્રકાશભાઈ ગોપાલજી ઠક્કર (સત્યમ)નું તાજેતરમાં મુંદરાના દરિયાસ્થાન મંદિર ખાતે લોહાણા મહાજન દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ પર્વમાં જનતાએ વિકાસના કાર્યો પર મહોર મારી છે જેમાં પ્રકાશભાઈ પ્રત્યેનો જનસમર્થન સૌથી વધુ જોવા મળ્યો છે.
સન્માન સમારોહ દરમિયાન મુંદરા લોહાણા મહાજનના પ્રમુખશ્રી કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણીએ જણાવ્યું હતું કે લોહાણા સમાજને માત્ર એક જ ટિકિટ મળી હોવા છતાં પક્ષની શિસ્તને વરેલા રહીને સમગ્ર સમાજે ભાજપને મજબૂત સાથ આપ્યો છે. આ વખતે નગરપાલિકાનું પ્રમુખ પદ અનામત હોવાથી પક્ષ પ્રત્યેની વફાદારી અને જંગી જનમતને માન આપીને પ્રકાશભાઈ ઠક્કરને નગરપાલિકાની આગામી કારોબારીમાં ‘કારોબારી ચેરમેન’ જેવું મહત્વનું પદ સોંપવામાં આવે તેવી લોહાણા સમાજ વતી પક્ષના મોવડી મંડળને આગ્રહભરી અપીલ કરવામાં આવી છે.
દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલા આ ગૌરવપૂર્ણ સન્માન કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખશ્રી કિશોરભાઈ ચોથાણી, અમુલભાઈ ચોથાણી, પ્રદીપભાઈ ગણાત્રા, ભરતભાઈ ઠક્કર, મહેશભાઈ ભંગદે, રાજુભાઈ સત્યમ, હેતભાઈ ઠક્કર, વિમલભાઈ જોબનપુત્રા, તુલસીદાસ (બાપા દયાળુ) તથા મહિલા મંડળના મીતાબેન ચોથાણી તેમજ સમાજના અન્ય અગ્રણી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રકાશભાઈ ઠક્કરને શાલ ઓઢાડી સન્માનિત કરી તેઓ દિન-પ્રતિદિન પ્રગતિ કરે અને નગરની સેવામાં અગ્રેસર રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે પ્રકાશભાઈ ઠક્કરના પરિવારે લોકસેવાનો વારસો અવિરત જાળવી રાખ્યો છે. આ પૂર્વે મુંદરાની પ્રથમ નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેમના ધર્મપત્ની શ્રીમતી તૃપ્તિબેન ઠક્કર નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સફળતાપૂર્વક પોતાની સેવાઓ બજાવી હતી. એક જ પરિવારમાં આ સતત બીજી જીત હાંસલ કરવા બદલ પ્રકાશભાઈ ઠક્કરે તમામ મતદાતાઓ અને સમાજના હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



