વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-05 ફેબ્રુઆરી : કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી ઉત્સવ ગૌતમ એ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કચ્છમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ એ ૨૦૧૮ બેચના આઈ.એ.એસ અધિકારી છે. કચ્છ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ મૂળ ઉત્તરપ્રદેશ જિલ્લાના આગ્રાના રહેવાસી છે. તેઓએ આઈ.આઈ.ટી પટના ખાતેથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. આ પોસ્ટિંગ પૂર્વે તેઓએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દાહોદ, મિશન ડાયરેક્ટરશ્રી નેશનલ અર્બન લાઈવલીહુડ ગાંધીનગર, મદદનીશ કલેક્ટરશ્રી લાઠી અને પ્રોબેશનર્સ તરીકે ભાવનગર ખાતે ફરજ બજાવી છે. નવનિયુક્ત કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ એ કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે પદભાર ગ્રહણ કરતાં જણાવ્યું હતું કે, તેઓની કચ્છમાં પ્રાથમિકતા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રહેશે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ જિલ્લો હોય અને આ જિલ્લામાં ડીડીઓશ્રી તરીકે કામ કરવાની તક મળવા બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિની બદલી મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રી તરીકે થતા આજરોજ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી ઉત્સવ ગૌતમ એ ચાર્જ સંભાળ્યો છે.