વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ગરીબ કલ્યાણ મેળો ગરીબો અને વંચિતોના જીવનમાં ઉજાસ લાવશે શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ.
ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે. શ્રી કેશુભાઇ પટેલ, ધારાસભ્ય-ભુજ.
ભુજ,તા-૨૭ સપ્ટેમ્બર : વંચિતોનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્નદષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. જે શૃંખલામાં ભુજ ખાતે આયોજીત ૧૪માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો અનેક ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર બંને ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર, આરોગ્ય, મકાન સહિતના અનેક હેતુ માટે સાધન-સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આજરોજ ભુજ ખાતેના મેળામાં ૧૦ તાલુકાના ૪૭૪૫૯ લાભાર્થીઓને ૧૧ વિભાગની રૂ.૮૯૭૯૧૭૪૦૩.૮ રકમની સહાય રાજય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચશે. વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ રાજય સરકાર જે કાર્ય કરી રહી છે તેના થકી લોકો અને ગામડાઓ સમૃધ્ધ બન્યા છે, આવનારા વર્ષોમાં ગુજરાત રાજય વિકાસની નવી ઉંચાઇ આંબશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ પ્રસંગે ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરીયાતમંદોને સરકાર વિવિધ યોજના હેઠળ સાધન-સહાય તથા રકમ આપીને પગભર બનાવી રહી છે. અત્યારસુધી યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા સાક્ષી છે કે, નાગરિકોને મળેલી સહાય થકી તેઓના સ્વવિકાસ સાથે રાજયની પ્રગતિમાં પણ લોકો સહભાગી બન્યા છે. મુખ્ય પ્રેરક બાબત એ છે કે, મેળાના માધ્યમથી મળતી સહાય સીધા જ લોકોના ખાતામાં કે સાધન-સહાય હાથોહાથ આપવામાં આવતી હોવાથી વચેટીયાઓની નાબૂદી થઇ છે. લાભાથીઓને તેનો સીધો હક્ક મળી રહ્યો હોવાથી ગરીબીને દુર કરવામાં ગરીબ કલ્યાણ મેળા કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજયકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નીહાળ્યું હતું. કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધન-સહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.ભુજ ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે ૨૧ જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓએ સફાઇનો સંદેશો આપતી સ્વચ્છતા સેલ્ફી લીધી હતી. સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઇ લાભાર્થીઓને મળીને રૂબરૂમાં લાભોનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુધ્ધભાઇ દવે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મનીષાબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, ભુજ પાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ સહિતના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.