વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૧ સપ્ટેમ્બર : ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિની પર્યાય માનવામાં આવી છે. સભ્યતાનો વિકાસ એના ગર્ભથી થયો. જેણે જ્ઞાનની અનેક વિદ્યાઓને જન્મ આપી સમસ્ત વિશ્વને પોતાના અનુદાનોથી ભરી દીધા. કોઈ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ગ અથવા સમાજ વિશેષ સુધી સીમિત ન રહીને આ સંપૂર્ણ માનવજાતિના વિકાસ તથા કલ્યાણ માટે પથ દર્શન કરતી રહી છે.અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા- 2001 થી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ મૂલ્યો, નૈતિકતા અને આદર્શોનું બીજારોપણ થાય એમ રહેલ છે. આ પરીક્ષા ધોરણ- ૫ થી કોલેજના બીજા વર્ષ સુધીના ૧૬૨૪૨ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. જેમાં ભુજની ૧૩૦, અંજારની ૨૪, ગાંધીધામની ૬૨, અબડાસાની ૧૧, લખપતની ૦૭, માંડવીની ૨૨, મુન્દ્રાની ૨૭, રાપરની ૧૯ અને નખત્રાણાની ૨૮ શાળાઓ મળી કુલ ૩૩૦ શાળાઓના વિધાર્થીઓએ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનરુપ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધેલ હતો.ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના જિલ્લા સંયોજક શ્રી વિષ્ણુભાઈ જોશી, જિલ્લા સમિતિના સંકલન કર્તા હર્ષલ જોશી, ધ્રુવભાઇ જાની, તાલુકા સંયોજકો અલ્પેશભાઈ જાની, હર્ષવર્ધનભાઈ અંતાણી, કાંતાબેન નાથાણી, દીપાબેન મહેતા, રસિકભાઈ સોની, પ્રભુલાલભાઈ પરમાર, કમલેશભાઈ ગુર્જર અને લક્ષ્મણભાઈ ગઢવીએ સેવાઓ આપેલ હતી. આ પરીક્ષાને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લાની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈઓ તેમજ બહેનોનો પણ સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો.