
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
માનવસેવાને જ ધર્મ માનનારા વાત્સલ્યમૂર્તિ પદ્મશ્રી આચાર્યા ચંદનાજી મહારાજ કાળધર્મ પામ્યા
કચ્છના નવનિર્માણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે : જીગર તારાચંદભાઇ છેડા
ભુજ, તા. 27:
‘સેવા પરમો ધર્મ’ના મંત્રને આજીવન સાર્થક કરનાર વીરાયતન સંસ્થાના સંસ્થાપક અને જૈન શાસનના પ્રથમ મહિલા આચાર્યા પદ્મશ્રી પ.પૂ. આચાર્યા ચંદનાજી મહારાજ સાહેબ (તપોનિષ્ઠ ચંદનાજી) કાળધર્મ પામ્યા છે. તેમના નિધનથી ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ક્યારેય ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. શ્રી ક.વી.ઓ. જૈન મહાજન – ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ – કચ્છના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડાએ ઊંડા દુઃખ સાથે શોક સંદેશ પાઠવી અંજલિ અર્પી છે.
કચ્છના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ:
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ જ્યારે કચ્છ આઘાત અને આક્રંદમાં ડૂબેલું હતું ત્યારે આચાર્યા શ્રી ચંદનાજીના હૃદયમાં કચ્છના બાળકો અને ભવિષ્ય માટે ઊંડી સંવેદના જાગી હતી. તેમણે ‘જ્યાં જિનાલય ત્યાં વિદ્યાલય’ના સૂત્ર સાથે કચ્છમાં ‘વીરાયતન’ સંસ્થાની સ્થાપના કરી. રુદ્રાણી પાસે પ્રાથમિક શાળાથી શરૂ કરીને જખણિયા (કોડાય) પાસે વિશાળ વિદ્યાપીઠનું નિર્માણ કરી તેમણે હજારો બાળકોને નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ સાધ્વી શ્રી શિલાપીજી અને સાધ્વી શ્રી વિભાજીએ કચ્છમાં શિક્ષણ અને આરોગ્યના સેવાકાર્યોને વેગ આપ્યો હતો.
સેવાકીય જીવન અને સન્માન:
૧૯૩૭માં મહારાષ્ટ્રમાં જન્મેલા શકુંતલાજી માણેકચંદ કટારીયાએ માત્ર ૧૫ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી સાધ્વી ચંદનાશ્રીજી બન્યા હતા. ૧૯૮૭માં તેઓ જૈન સંપ્રદાયના પ્રથમ મહિલા આચાર્યા બન્યા. તેમણે પરંપરાગત ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે માનવસેવાને જોડવાનું ભગીરથ કાર્ય કર્યું. ભારત સરકાર દ્વારા તેમની નિઃસ્વાર્થ સેવાઓની કદર રૂપે તેમને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લોક હૃદયમાં સદાય જીવંત રહેશે:
આચાર્યા શ્રી માનતા હતા કે ‘ધર્મ અને સેવા જુદા નથી’. તેમણે મંદિરોની સાથે સ્કૂલ-કોલેજોને જ વાસ્તવિક મંદિર ગણી લોકકલ્યાણનો માર્ગ અપનાવ્યો હતો. શ્રી જીગર છેડાએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ કચ્છના નવનિર્માણમાં તેમનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાશે. તેમની સેવાકીય જ્યોત અને ઉમદા વિચારો આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. એવું શ્રી ક.વી.ઓ. જૈન મહાજન, ભુજના કાર્યાલય મંત્રી અંકિત ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.





વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




