કાલોલ એસટી સ્ટેન્ડમાં સ્વચ્છતાનો અભાવ,એસટી ડેપોના ટોયલેટની અસહ્ય બદબુ થી મુસાફરો સાથે કેન્ટીન સંચાલક પરેશાન.

તારીખ ૦૭/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના મહત્વના તાલુકા મથક એવા કાલોલ શહેરનું એસટી બસ સ્ટેશન હાલ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યું છે. સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાનના મોટા-મોટા દાવાઓ વચ્ચે કાલોલ એસટી ડેપોમાં પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. ડેપો પરિસરમાં આવેલા જાહેર શૌચાલયમાં નિયમિત સાફ-સફાઈ ન થવાને કારણે ભારે ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યાં સ્થાનિક મુસાફરોના જણાવ્યા અનુસાર, શૌચાલયમાંથી નીકળતી દુર્ગંધ એટલી તીવ્ર છે કે તેની નજીક આવેલા પ્રતીક્ષા બાંકડાઓ પર બેસવું પણ મુશ્કેલીભર્યું બન્યું છે. બસની રાહ જોઈને ઉભેલા વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોને મોઢે રૂમાલ ઢાંકીને ઊભા રહેવાની નોબત આવી છે. તાલુકા કક્ષાના આ વ્યસ્ત બસ સ્ટેશન પર રોજની સેંકડો બસો અને હજારો મુસાફરોની અવરજવર રહે છે, છતાં તંત્ર દ્વારા આવી પાયાની સગવડ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ગંદકીની સીધી અસર ડેપો પરિસરમાં જ આવેલી એસટી વિભાગની કેન્ટીન પર પણ પડી રહી છે. શૌચાલયની બિલકુલ નજીક કેન્ટીન આવેલી હોવાથી ત્યાં સુધી અસહ્ય વાસ ફેલાય છે. આના કારણે કેન્ટીનમાં ખાણી-પીણીની વસ્તુઓ ખરીદતા મુસાફરોના સ્વાસ્થ્ય સામે પણ મોટું જોખમ ઊભું થયું છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે, ત્યારે કાલોલ જેવા મહત્વના ડેપોમાં શૌચાલયની આવી બદતર સ્થિતિ એસટી તંત્રની નિષ્ક્રિયતા છતી કરે છે. સ્થાનિક જનતા અને મુસાફરોની ઉગ્ર માંગ છે કે ડેપો સત્તાધિશો દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરાવવામાં આવે અને મુસાફરોને આ નરકાગારમાંથી મુક્તિ અપાવવામાં આવે.






