NH-48 પર બે કટ બંધ થતાં લોકોમાં રોષ:અંકલેશ્વર નજીક અકસ્માતો રોકવા લેવાયેલા પગલાંથી સ્થાનિકોને મુશ્કેલી, ધારાસભ્યએ કરી મુલાકાત
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા સહયોગ હોટલ અને વર્ષા હોટલ પાસેના બે યુ-ટર્ન બંધ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી આસપાસના ગામના રહીશો અને ટ્રાન્સપોર્ટ ઓફિસના સંચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકોને હવે માંડવા અને રાજપીપળા ચોકડી સુધીનો લાંબો ફેરો ખેડવો પડે છે, જેના કારણે તેમની દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે. આ મુદ્દે સ્થાનિક રહીશોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરી હતી.
રજૂઆતને ગંભીરતાથી લેતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ટ્રાફિક પોલીસના PI ભાવનાબેન મહેરિયા, સ્થાનિક ગામના સરપંચો અને NHAI અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં સર્વિસ રોડના તાત્કાલિક સમારકામ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને યોગ્ય પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.