ભરૂચ NH-48 પર લાંબો ટ્રાફિક જામ:પાલેજ-નબીપુર વચ્ચે ભૂખીખાડી પાસે ગરનાળાની કામગીરીથી વાહનોની લાંબી કતારો લાગી
સમીર પટેલ, ભરૂચ
અમદાવાદ-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના પાલેજ અને નબીપુર વચ્ચે આવેલી ભૂખીખાડી પાસે ગરનાળાની ચાલી રહેલી કામગીરીને કારણે સુરત તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી છે.
વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડી રહ્યું છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને વાહનોને વૈકલ્પિક માર્ગ પર વાળવાની કામગીરી કરી રહ્યા છે.
આ માર્ગ પર નિયમિત રીતે ભારે વાહનોની અવરજવર રહે છે અને ગરનાળાની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે. અધિકારીઓએ વાહન ચાલકોને ધૈર્ય રાખવા અને પોલીસના નિર્દેશોનું પાલન કરવા અપીલ કરી છે.