મહાવીર જયંતીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાનથી ૮ લોકોને નવજીવન : તબીબોની ૮ કલાકની અથાક મહેનત સફળ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહાવીર જયંતીની પવિત્ર પુર્વ સંધ્યાએ અને વહેલી સવારે બે મહત્વપૂર્ણ અંગદાનો થયા હતા, જેમાં તબીબોની ૮ કલાકની સતત મહેનતથી કુલ ૮ લોકોને જીવનદાન મળ્યું છે. દાન અને જીવનદાનની આ સરવાણી ફરી એક વખત જીવન બચાવતી સંસ્થા તરીકે સિવિલ હોસ્પિટલના યોગદાનને ઉજાગર કરે છે.
પ્રથમ કેસમાં, હિંમતનગર સાબરકાંઠાની ૪૧ વર્ષીય ભદ્રશીલાબેનને ૭ એપ્રિલે બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ૮ એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ૯ એપ્રિલે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાન ટીમે પરીવારજનોને અંગદાનની સમજ આપતાં તેમના પતિએ હિંમતભર્યો અને ઉત્સાહી નિર્ણય લઈને અંગદાનની મંજૂરી આપી. તેમના દ્વારા ૨ કિડની, ૧ લીવર, ૧ સ્વાદુપિંડ અને ૧ હ્રદયનું દાન કરાયું.
બીજા કેસમાં, અમદાવાદના ૨૫ વર્ષના યુવાનને માથામાં ઈજા થતાં ૬ એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ૯ એપ્રિલે તેમને પણ બ્રેઇન ડેડ જાહેર કરાયા. પરિવારજનોએ ગુપ્ત અંગદાનની સહમતિ આપી, જેના પરિણામે ૨ કિડની અને ૧ લીવર મળ્યાં.
આ બંને અંગદાતાઓના દાનથી મળેલા ૪ કિડની, ૨ લીવર અને ૧ સ્વાદુપિંડને સિવિલ મેડિસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં તથા હ્રદયને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં કુલ ૧૮૭ અંગદાન થકી ૬૧૨ અંગો મળ્યા છે, જેના થકી ૫૯૪ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.
અત્યારે સુધી થયેલા દાનમાં ૩૪૦ કિડની, ૧૬૩ લીવર, ૬૦ હ્રદય, ૩૦ ફેફસા, ૧૧ સ્વાદુપિંડ, ૨ નાના આંતરડા, ૧૦ સ્કીન અને ૧૨૬ આંખોનો સમાવેશ થાય છે.
આ શુભ અવસરે, ધર્મ અને માનવતા વચ્ચે કોઈ ભેદ ન રાખીને મહાવીર સ્વામીના સંદેશ અનુસાર દયાભાવથી ઉપજેલા આ નિર્ણયોએ સમગ્ર સમાજ માટે ઉત્તમ ઉદાહરણ રચ્યું છે.