મહેશ વસાવાનો આરોપ “ભાજપે નર્મદામાં વિકાસ નથી કર્યો”:ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું, “તાજમહેલ કરતા વધારે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે”
સમીર પટેલ, ભરૂચ
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસના અભાવને રાજીનામાનું કારણ ગણાવ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ ગઈકાલે અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં તેઓ લોકહિતના કામો કરતા રહેશે.
આ મામલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. તાજમહેલ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે, જે ભાજપના વિકાસનું પ્રમાણ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેશ વસાવાને પક્ષમાં યોગ્ય સ્થાન ન મળવાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક બાદ અન્ય હોદ્દાઓની વહેંચણીમાં વિવાદ સર્જાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.