LUNAWADAMAHISAGAR

“પહેલા મતદાન, પછી પ્રસ્થાન”: ખાનપુર તાલુકાના નાના ખાનપુર ગામે વરરાજાએ પરણવા જતા પહેલા કર્યું મતદાન

“પહેલા મતદાન, પછી પ્રસ્થાન”: ખાનપુર તાલુકાના નાના ખાનપુર ગામે વરરાજાએ પરણવા જતા પહેલા કર્યું મતદાન
**

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…

આદિવાસી સંસ્કૃતિ મુજબ વાજતે-ગાજતે જાન લઈને નીકળેલા વરરાજા પરિવાર સાથે પહોંચ્યા મતદાન મથકે
**
પારંપરિક પોશાકમાં સજ્જ વરરાજાએ અન્ય નાગરિકોને પણ પોતાના કામો પડતા મૂકી પહેલા મતદાન કરવા કરી અપીલ
**

મહીસાગર જિલ્લામાં આજે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં લોકશાહીના અનોખા અને અદભુત રંગો જોવા મળી રહ્યા છે. જિલ્લાના મતદારો ભારે ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે, ત્યારે ખાનપુર તાલુકામાંથી એક અત્યંત પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવાને પોતાના જીવનના સૌથી રૂડા અવસર એટલે કે લગ્ન પ્રસંગ કરતા પણ લોકશાહીના પર્વને વધુ પ્રાધાન્ય આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ખાનપુર તાલુકાના નાના ખાનપુર ગામે આજે એક યુવાનના લગ્નનો પ્રસંગ હતો. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ વાજતે-ગાજતે જાન પ્રસ્થાન કરવાની તૈયારીઓ થઈ ચૂકી હતી. વરરાજા સંપૂર્ણ પારંપરિક પોશાકમાં સજ્જ હતા. પરંતુ, આ જાગૃત યુવાને મતદાનને પોતાની પ્રથમ અને નૈતિક ફરજ સમજીને, પરણવા જતા પહેલાં મતદાન મથકે જવાનો અડગ નિર્ણય કર્યો.

વરરાજા પોતાની જાન અને પરિવારજનો સાથે ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે સીધા જ નાના ખાનપુરના મતદાન મથકે પહોંચ્યા હતા અને સૌપ્રથમ પોતાનો કિંમતી મત આપ્યો હતો. લગ્નના મંડપમાં જતા પહેલાં લોકશાહીના મંડપમાં પોતાની હાજરી નોંધાવનાર આ વરરાજાએ મતદાન મથક પર ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.

મતદાન કર્યા બાદ આંગળી પર લગાવેલી શાહી ગર્વભેર બતાવીને વરરાજાએ અન્ય મતદારોને પણ અપીલ કરી હતી કે, “જીવનમાં લગ્ન કે અન્ય કોઈ પણ સામાજિક પ્રસંગ હોય, પરંતુ મતદાન એ આપણી સર્વોચ્ચ ફરજ છે. મેં મારા લગ્ન પહેલાં મારું મતદાન પૂર્ણ કર્યું છે, તો આપ સૌ પણ આપના તમામ કામો પડતા મૂકીને પહેલા મતદાન અવશ્ય કરો અને લોકશાહીને મજબૂત બનાવો.”

Back to top button
error: Content is protected !!