મહીસાગર જિલ્લામાં માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું.

મહીસાગર જિલ્લામાં માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
**
અમીન કોઠારી મહીસાગર
અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ, ૨૦૦૦ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ /વાજિંત્રો રાતના ૧૦:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય. લગ્ન તથા ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં નાચગાન કે ઘોંઘાટને કારણે ઝગડા તથા તકરારો ન થાય તેમજ ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લેવા તેમજ જિલ્લામાં કોઈ પણ પ્રકારે સુલેહશાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી વી લટા દ્વારા માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું.
-: પ્રતિબંધિત કૃત્યો:-
“મહીસાગર જિલ્લાનો સમગ્ર વિસ્તારમાં સરકારી કચેરીઓ, હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના. વિસ્તારને શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે.(ડીસ્ક જોકી) સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં, એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો/ગીતોનો માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે.(ડીસ્ક જોકી) સીસ્ટમમાં ઉપયોગ કરી શકાશે નહી.
રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો/કાયદાઓનો અમલ કરવો. નાચગાન તથા ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં, ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ Ambient Air Quality Standard in respect of Noise અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતોવખતના ચુકાદાઓના નિર્દેશ તથા ધી નોઇઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ની પર્યાવરણ સંરક્ષણની જોગવાઇઓ મુજબ Ambient Air Quality Standard હોવું જોઈએ તે જોતાં ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તે વગાડવા પર કાયમને માટે પ્રતિબંધ છે. પરંતુ નીચેની શરતોને આધીન અગાઉથી અધિકૃત પરવાનગીના આધારે ફકત માઈક સીસ્ટમને પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે અને રાત્રીના ૧૦:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન વગાડી શકાશે નહી.
માઈક અને ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમ વગાડવા માટેના પ્રતિબંધમાંથી છૂટછાટ માટેની શરતો
ડી.જે સીસ્ટમના માલીક કે જે આ સીસ્ટમ ભાડે આપે છે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત પણે નોંધણી કરાવવાની, માઈક સીસ્ટમ અને ડી.જે. વગાડવા માટે તેના માલીક/ભાગીદારે પરવાનગી અરજી જે તે વિસ્તારના મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની કચેરીએ કરી, ૦૭ દિન પહેલાં મંજુરી મેળવી લેવાની રહેશે અને આપેલ શરતોનો ચુસ્તપણે બિનચુક અમલ કરવાનો રહેશે. શરતોનો ભંગ થયેથી પરવાનગી રદબાતલ થયેલ ગણાશ, વરઘોડો / રેલી, ધાર્મિક, રાજકીય કે સામાજિક શોભાયાત્રાઓના સમય દરમ્યાનમાં ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તની સંપૂર્ણ જવાબદારી પરવાનેદાર / પરવાનગી લેવા માટે આવનાર વ્યક્તિની રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, મહીસાગરના અધિકાર ક્ષેત્રની જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઇક સીસ્ટમ/વાજિંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહીં, તેમજ અવાજનું પ્રદુષણ ફેલાવી શકાશે નહી, આવી પરવાનગી માટેની અરજી લેખિતમાં હોવી જોઈએ તેમજ તેના ઉપર ઉપયોગ કરનાર વ્યક્તિની સહી હોવી જોઈએ, આવી પરવાનગીની અરજી તેના ઉપયોગ કરવાના હોય તે દિવસથી ઓછામાં ઓછા સાત દિવસ પહેલા પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે. પરંતુ વ્યાજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયની અંદર માંગવામાં આવેલ પરવાનગી તેમ કરવા માટે અધિકૃત અધિકારી પોતાની વિવેકબુદ્ધિ અનુસાર આપી શકશે.
અરજદાર તથા તેના પ્રતિનિધિએ મળેલ પરવાનગી સાથે માઇક સીસ્ટમ/વાજિંત્રનો ઉપયોગ થાય તે સમયે ઉપરોકત જાહેર જગ્યા ઉપર હાજર રહેવું પડશે. ફરજ પરના અધિકારી આ અંગેનો પરવાનો જોવા માંગે ત્યારે પરવાનાધારકોએ તે રજુ કરવાનો રહેશે, માઈક સીસ્ટમ/વાજિંત્રનો ઉપયોગ ઉપરોક્ત અવાજની માત્રા દર્શાવતા પત્રક પ્રમાણે સવારના ૦૬:૦૦ કલાકથી રાત્રીના ૨૨:૦૦ કલાક સુધી જ થશે.
અવાજ પ્રદુષણ (નિયમન અને પ્રતિબંધ) નિયમો, ૨૦૦૦ની જોગવાઇઓ પ્રમાણે સામાન્ય રીતે માઇક સીસ્ટમ/વાજિંત્રો રાત્રીના ૧૦:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ, આ સમય માટે માઇક સીસ્ટમ/વાજિંત્ર માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં તેમજ પરવાનેધારકોએ આ સમય દરમ્યાન માઈક સીસ્ટમ /વાજિંત્ર વગાડવા ઉપયોગ કરી શકશે નહી. જે સુચનાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે, કોઇ પણ વિસ્તારમાં ઘોંઘાટ/અવાજનું હવામાનમાં પ્રમાણ ડેસીબલ પ્રમાણે દિવસ તથા રાત્રિ દરમ્યાન નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે તે પ્રમાણે રાખવાનું રહેશે. આ માત્રાનો ભંગ ન થાય તેની પરવાનેદારે/પરવાનગી લેનારે તકેદારી રાખવાની રહેશે, મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માઇક સીસ્ટમ/વાજિંત્રનો અવાજ એ બે રીતે મર્યાદીત કરેલો હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહીં.
ગતિમાન વાહનમાં કોઈ પણ માઈક સીસ્ટમ/વાજિંત્રનો ઉપયોગ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી અધિકૃત કરેલા અધિકારીની પરવાનગી સિવાય કોઈ પણ હેતુ માટે વાપરવો નહીં અથવા ચલાવવો નહી, માઇક સીસ્ટમ/વાજિંત્રના ઉપયોગથી આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય કે નુકશાન અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઈપણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઈ પણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઈક સીસ્ટમ / વાજિંત્ર વાપરવા પર મનાઈ ફરમાવતો હુકમ કરી શકશે, ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ઉપર જણાવેલ નિયમો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમય અંગે કોઈ ભંગ કરે તો વાહન તથા માઈક સીસ્ટમ/વાજિંત્ર અને તેના ઉપકરણો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી શકશે.
આ જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અને ગુનો નોંધી, માલીક, ભાગીદાર, મેનેજર, સંચાલકની ધરપકડ કરી તમામ માઈક સીસ્ટમ ગુન્હોના મુદામાલ તરીકે કબજે કરવામાં આવશે.
આ હુકમ અન્વયે મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીના હોદો ધરાવનાર પોલીસ અધિકારી/કર્મચારીઓને ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું આગામી તા. ૧૭/૦૯/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.


