કાલોલમાં રેતી માફિયાઓ પર મામલતદાર નો સપાટો: અલગ-અલગ જગ્યાએથી પાંચ ટ્રેક્ટર પકડી પાડ્યા.

તારીખ ૧૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન વિરુદ્ધ મામલતદાર તંત્રે લાલ આંખ કરી છે. મંગળવારે મામલતદાર અને સર્કલ ઓફિસરની ટીમે હાથ ધરેલા અચાનક ચેકિંગ દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએથી ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા કુલ ૫ ટ્રેક્ટરો ઝડપી પાડી કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.રામનાથ (ગોમા નદી પટ): તપાસ ટીમ પહોંચતા કેટલાક વાહનો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ સ્થળ પરથી રેતી ભરેલી હાલતમાં ૩ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે નાંદરખા ચોકડી: ગેરકાયદે રેતીનું વહન કરતું ૧ ટ્રેક્ટર પકડાયું હતું.કાતોલ (ગોમા નદી તટ/નર્મદા કેનાલ પાસે): મોડી સાંજે નદીના પટ અને કેનાલ નજીકના ખાડાઓમાંથી ખનન કરતું ૧ ટ્રેક્ટર ઝડપાયું હતું.આ તમામ વાહનોના ચાલકો કે માલિકો પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પરમિટ કે ચલણ મળી આવ્યું ન હતું. આથી તમામ વાહનોને મામલતદાર કચેરી ખાતે જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે ઝડપાયેલા વાહન માલિકોમાં 1. આશીષ પટેલ (રહે. રામનાથ)2. બળદેવસિંહ રાયજીભાઈ ઓડ (રહે. રામનાથ)3. હિમાંશુ મનહરભાઈ પટેલ (રહે. રામનાથ)4. મહેશભાઈ મકવાણા ( બોરુ)5. અજાણ્યો વાહન માલિક (નાંદરખા ચોકડી પાસેથી ઝડપાયેલ)તંત્રે આ તમામ સામે ખાણ અને ખનીજ વિભાગને અહેવાલ સોંપીને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.દેલોલ, રામનાથ, કંડાચ, સગનપુરા અને બોરુ જેવા વિસ્તારોમાં ગોમા અને કરાડ નદીના પટમાંથી બારેમાસ મોટા પાયે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા ખનીજ માફિયાઓ સામે હજુ પણ વધુ સઘન અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.







