MEHSANAVIJAPUR

જંત્રાલ ડગમગ હોટલ પાસે એક્ટિવા રોકી યુવક સહિત મિત્રને લાકડી-ધોકાથી માર માર્યાનો આક્ષેપ

જંત્રાલ ડગમગ હોટલ પાસે એક્ટિવા રોકી યુવક સહિત મિત્રને લાકડી-ધોકાથી માર માર્યાનો આક્ષેપ
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે રસ્તા પર થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સો સામે ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે ડગમગ હોટલ પાસે એક્ટિવા પર પસાર થઈ રહેલા યુવક અને તેના મિત્રને સ્વિફ્ટ કારમાં આવેલા ચાર શખ્સોએ રોકી લાકડી-ધોકાથી માર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે અજયકુમાર રાવળે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રોજ સાંજના આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં અજયકુમાર રાવળ તેમના મિત્ર પિન્ટુ જી જવાન જી સાથે એક્ટિવા નં. GJ-02-EQ-2995 પર જંત્રાલ થી વિસનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જંત્રાલ ડગમગ હોટલ પાસે સફેદ રંગની સ્વિફ્ટ કાર એક્ટિવા ની આગળ આવી ઊભી રહી હતી. તે કારમાંથી જયદીપ ઉર્ફે જે.ડી. મહેશજી ઠાકોર (રહે. અબાસણા), કુણાલ સેનમા, રવી ઠાકોર તથા અન્ય એક અજાણ્યો ઇસમ નીચે ઉતર્યા હતા. આરોપીઓએ ગાળો બોલવાનું શરૂ કરતા ફરિયાદી અને તેના મિત્રએ ગાળો ન બોલવા જણાવ્યું હતું. આથી ઉશ્કેરાયેલા જયદીપે કારમાંથી લાકડી કાઢી ફરિયાદીને હાથ તથા પગના ભાગે માર માર્યો હતો. જ્યારે કુણાલ સેનમાએ ધોકાથી ફરિયાદીના પેટ અને થાપાના ભાગે માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ દરમિયાન ફરિયાદી નો મિત્ર પિન્ટુજી વચ્ચે પડતા રવિ ઠાકોરે તેના જમણા હાથની કાંડા ઉપર ધોકાથી માર માર્યો હતો. ચારેય શખ્સોએ બંને યુવકોને ગડદાપાટુનો માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
બનાવ સમયે દિપક સિંહ જગતસિંહ ઠાકોર, બિપિન ભાઈ રાવળ સહિતના લોકોએ વચ્ચે પડી બંને યુવકોને છોડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ જતા જતા “આજે તો તમે બચી ગયા છો, ફરીથી હાથમાં આવશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
મારામારીમાં ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે અજયકુમાર રાવળની ફરિયાદના આધારે પોલીસે જયદીપ ઉર્ફે જે.ડી. મહેશજી ઠાકોર, કુણાલ સેનમા, રવી ઠાકોર તથા એક અજાણ્યા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવનું ચોક્કસ કારણ શું હતું અને મારામારી પાછળ અગાઉની કોઈ અદાવત હતી કે કેમ તે સહિતની બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!