
વિજાપુર આરોગ્ય તંત્ર દ્વારા હીટવેવથી બચાવ માટે જાહેર સ્થળોએ ઓઆરએસ કોર્નર શરૂ કરાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા હેલ્થ કચેરી અને જીલ્લા આરોગ્ય તંત્ર ના માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવથી લોકોને સુરક્ષિત રાખવા માટે તાલુકાના વિવિધ જાહેર જગ્યાઓએ ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જાસ્મીન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુહાગ શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિના સૂચન અનુસાર આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાલુકાના શહેર માં આવેલ બસ સ્ટેશન, નગરપાલિકા કચેરી, હિંમતનગર-મહેસાણા હાઈવે પર આનંદપુરા ચોકડી, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, ડાભલા ચોકડી, કુકરવાડા ચોકડી, દગાવાડિયા બસ સ્ટેશન તેમજ વસઈ એસ.ટી. ડેપો ખાતે ઓઆરએસ સોલ્યુશન તૈયાર કરી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે ઉનાળાની ઋતુમાં વધુ પરસેવો થવાને કારણે શરીરમાંથી પાણી અને ખનીજ ક્ષારની ઉણપ સર્જાતા ડીહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. ઓઆરએસ પીવાથી શરીરમાં પાણી, ગ્લુકોઝ અને જરૂરી ખનીજ ક્ષારનું સંતુલન જળવાઈ રહે છે.
ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બપોરે ૧૧ થી ૪ વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. બહાર જવું જરૂરી બને તો માથે ટોપી કે છત્રી રાખવી, ગોગલ્સ પહેરવા તથા પાણીની બોટલ સાથે રાખવા અનુરોધ કરાયો છે. સખત તાવ, ઉલટી, માથાનો દુખાવો અથવા ચક્કર આવવા જેવી તકલીફ થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા સૂચના આપવામાં આવી છે.
દર કલાકે પાણી, લીંબુ સરબત, તરબૂચ, ટેટી અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પદાર્થો વધુ પ્રમાણમાં લેવા પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ સમગ્ર આયોજન સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ તાલુકા હેલ્થ કચેરી, અર્બન હેલ્થ કચેરી , વિવિધ પીએચસીના સુપરવાઈઝર સ્ટાફ તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.




