જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારી ઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા
જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.૧૨૫૦.૩૧ લાખના ૮૪૫ વિકાસ કામોને મંજૂરી અપાઈ
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવશ્રી ધનંજય દ્વિવેદીની ઉપસ્થિતિમાં મહેસાણા કલેકટર કચેરી ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી એ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારી એ તાકીદ કરી હતી.
પ્રભારી મંત્રી આ બેઠક દરમિયાન વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધિકારી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.
આ ઉપરાંત, મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ નાગરિકોને મળી શકે તેમ પણ તેમણે કહ્યું હતું.
આ તકે પ્રભારી મંત્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધીન, ૫% પ્રોત્સાહક અને ખાસ પછાત વિસ્તારની જોગવાઈ તેમજ નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ મળી રૂ.૧૨૫૦.૩૧ લાખના ૮૪૫ કામો જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.
તદુપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને ‘આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો – એ.ટી.વી.ટી.’ જોગવાઈ અને સંસદસભ્યશ્રી જોગવાઈ સહિતનાં અન્ય બાકી કામો, મંજૂર થયેલા કામો, શરૂ ન થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કરવા પ્રભારી મંત્રી એ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી એ.વી. ચાંપાનેરીએ જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીને પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકાર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક, ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ, ડૉ. સી. જે. ચાવડા, સરદારભાઈ ચૌધરી, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નિવાસી અધિક કલેક્ટર જે. કે. જેગોડા સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.