
વિજાપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નિઃશુલ્ક સમર યોગ કેમ્પ શરૂ
100થી વધુ બાળકો જોડાયા, યોગ સાથે સંસ્કાર અને આરોગ્યનો સંદેશ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ 7 થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. 16 મેથી 30 મે સુધી ચાલનારો આ કેમ્પ આશ સેકન્ડરી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે. કેમ્પનો શુભ પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
યોગ કેમ્પમાં પ્રથમ જ દિવસે 100થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં આશરે 225 જેટલા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ તાલુકાના યોગકોચ અને યોગ શિક્ષક દીપીકાબેન તથા તેમની ટીમ દ્વારા કેમ્પનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. યોગ ટ્રેનર સ્વાતિબેન, મનિષાબેન, શ્વેતાબેન, નયનાબેન, સરિતાબેન, અમિતભાઈ, ધવલભાઈ, જેન્તીભાઈ અને રીટાબેન દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.




