
વિજાપુર મોમનવાડામાં મોડી રાત્રે વીજ ડીપી સળગી, સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના મોમનવાડા વિસ્તારમાં મોડી રાત્રે વીજળીની ડીપી અચાનક સળગી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીપીમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અનેક વિસ્તારો અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાના પગલે ઘરોમાં સૂઈ રહેલા લોકો બહાર નીકળી આવ્યા હતા અને ડીપીમાંથી નીકળતી જ્વાળાઓ તથા ધુમાડાના દૃશ્યો નિહાળવા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
વીજળી ગુલ થતાં આકરી ભેજવાળી ગરમી વચ્ચે લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દર્દીઓને રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી મણિપુરા ફીડર હેઠળના વિસ્તારોમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે એડવોકેટ તથા કોર્પોરેટર અને યુથ કોંગ્રેસના પ્રમુખ તનજીલ અલી સૈયદે યુજીવીસીએલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં મણિપુરા ફીડરમાં વારંવાર સર્જાતા ફોલ્ટ અંગે સવાલો ઉઠાવી વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સતત વીજ વિક્ષેપના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને વીજ વિભાગે તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.
સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે જૂની અને ઓવરલોડ થઈ રહેલી વીજ વ્યવસ્થાનું સમયસર જાળવણી કાર્ય કરવામાં આવે તેમજ વારંવાર સર્જાતા ફોલ્ટની ટેકનિકલ તપાસ કરી કાયમી નિરાકરણ લાવવામાં આવે જેથી લોકોને વારંવારની હાલાકીમાંથી મુક્તિ મળી શકે તે માટે રજુઆત કરવામાં આવી છે.



