
જળ એ જ જીવન: વિજાપુરના હિંમતનગર રોડ ઉપર આવેલ ‘ઋષિવન’માં વન્યજીવો માટે જીતુભાઈની માનવતાની મહેક

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઉનાળાના કાળઝાળ તાપમાં જ્યાં માનવજીવન એસી અને કુલરના સહારે પસાર થાય છે, ત્યાં મૂંગા પશુ-પક્ષીઓ માટે પ્રકૃતિના ખોળે એક અનોખું સેવા કાર્ય વિકસતું નજરે પડે છે. વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલ ‘ઋષિવન’ ખાતે ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા જીતુભાઈએ પર્યાવરણ પ્રત્યેની પોતાની અડગ લાગણીને ફરી એકવાર સાબિત કરી છે.
લગભગ ૧૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલા આ ‘મેનમેડ ફોરેસ્ટ’માં જીતુભાઈએ લાખો વૃક્ષો વાવીને એક હરિયાળો જંગલ ઉભો કર્યો છે. આજે આ વિસ્તાર માત્ર હરિયાળી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ અનેક વન્યજીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો છે. પ્રકૃતિના સંવર્ધન સાથે જીવદયાનો અનોખો સમન્વય અહીં જોવા મળે છે.
ઉનાળાની તીવ્ર ગરમીમાં વન્યજીવોને પાણી માટે તરસવું ન પડે તે માટે ઋષિવનમાં ૩૫ જેટલી નાની તલાવડીઓ બનાવવામાં આવી છે. આ તલાવડીઓમાં પાઈપલાઈન અને ટેન્કર મારફતે નિયમિત પાણી પૂરું પાડવામાં આવે છે. “જ્યાં જળ છે ત્યાં જ જીવન છે,” તે સૂત્રને સાર્થક કરતા આ પ્રયાસથી અનેક પ્રાણીઓ અને પક્ષીઓને જીવદાયી આધાર મળી રહ્યો છે.
આ આયોજનના પરિણામે આજે ઋષિવનમાં ૧૬૫થી વધુ જાતના પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો છે, જેમાં તેતર અને મોર જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ઝરખ, શિયાળ સહિતના દુર્લભ પ્રાણીઓ પણ અહીં સુરક્ષિત રીતે વસવાટ કરતા થયા છે.
જીતુભાઈએ સમાજ અને વન વિભાગને સંદેશ આપતા જણાવ્યું હતું કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાણીની નાની વ્યવસ્થા કરી પશુ-પક્ષીઓની તરસ બુઝાવવી જોઈએ. સાથે જ વન વિભાગે જંગલ વિસ્તારમાં તલાવડીઓમાં નિયમિત પાણી પહોંચાડવાની વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે, જેથી આ ઉનાળાના કઠિન દિવસોમાં વન્યજીવોને રાહત મળી રહે.
આ સેવાકાર્ય વિશે જીતુભાઈનો મક્કમ વિશ્વાસ છે કે, મૂંગા જીવોની સંભાળ જ સાચી પર્યાવરણ સેવા છે. તેમનું ‘ઋષિવન’ આજે પ્રકૃતિ અને માનવતાના સંગમનું જીવંત પ્રતિક બનીને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
“પક્ષીઓને ચણ અને પ્રાણીઓને પાણી – એ જ સાચી પ્રભુ ભક્તિ,” તેમનું આ સંદેશ સૌ માટે વિચારવા યોગ્ય છે.




