વિજાપુરમાંથી ટ્રેઝરી લોકર વિભાગ વિસનગર ખસેડવાની હિલચાલ વકીલમંડળ અને પ્રજામાં ચિંતા માં મુકાયો કલેક્ટર તથા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજુઆત કરાશ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં કાર્યરત ટ્રેઝરી કચેરીના લોકર વિભાગને આગામી દિવસોમાં વિસનગર ખાતે ખસેડવાના નિર્ણયની માહિતી સામે આવતા વકીલવર્ગ અને તાલુકાની પ્રજામાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ છે. આ નિર્ણયથી વકીલો, નોટરી એડવોકેટો તેમજ સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી કામકાજ માટે અનાવશ્યક હાલાકી ભોગવવી પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ મુદ્દે વિજાપુર બાર એસોસિએશનના પ્રમુખ કુણાલ પી. બારોટ, ઉપપ્રમુખ અરવિંદસિંહ રાઠોડ સહિતના વકીલોએ ટ્રેઝરી કચેરીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે હાલની ટ્રેઝરી કચેરીની ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી આગામી દસ દિવસમાં લોકર વિભાગને વિસનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે કચેરીના અન્ય વિભાગોને વિજાપુર તાલુકા પંચાયત ની કચેરી ખાતે કાર્યરત કરવાની યોજના છે.
વકીલમંડળના જણાવ્યા અનુસાર લોકર વિભાગ વિસનગર ખસેડવામાં આવશે તો કોર્ટના કામકાજ માટે જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી, એફિડેવિટ, લગ્ન નોંધણી સંબંધિત ટિકિટો, અધશિવ ટિકિટો તથા અન્ય સરકારી ચલણ ભરવા માટે વિજાપુરના નાગરિકોને વારંવાર વિસનગર સુધી ધક્કા ખાવા પડશે. જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થશે. બાર એસોસિએશને જણાવ્યું હતું કે આ નિર્ણય માત્ર વકીલવર્ગને જ નહીં પરંતુ સમગ્ર તાલુકાની જનતાને અસર કરનાર છે. તેથી ટ્રેઝરી કચેરી તથા લોકર વિભાગને વિજાપુર ખાતે જ યથાવત રાખવાની માંગ સાથે ટૂંક સમયમાં મહેસાણાના કલેક્ટર તથા વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાને રૂબરૂ મળી આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવનાર છે. બાર એસોસિએશને રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને પ્રજાહિતને ધ્યાનમાં રાખી લોકર વિભાગને તાલુકા માંથી ખસેડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. સ્થાનિક નાગરિકો અને વકીલવર્ગે પણ આ નિર્ણય રદ કરી સુવિધા વિજાપુરમાં જ ચાલુ રાખવાની માંગ ઉઠાવી છે.


