
વિજાપુર TVS શો-રૂમનો ટીમ લીડર એક લાખ નું ફૂલેકું ફેરવી ફરાર એડવાન્સ બુકિંગના ₹1 લાખ તેમજ અન્ય ગ્રાહકોના લોનના હપ્તાની રકમ લઈને ભાગી જતા શો રૂમ ના માલીકે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતેના આવેલ ટીવીએસ તીરુસાંઇ ઓટો લીંક શો-રૂમની બ્રાંચના ટીમલીડર દેસાઈ યોમી અશોકકુમાર રહે. રાજકોટ વાળાએ ગ્રાહકો પાસેથી એડવાન્સ બુકિંગની રકમ તેમજ લોનના હપ્તાના પૈસા ઉઘરાવી, શો-રૂમ ના માલિક ને જાણ કર્યા વિના જ ભાગી ગયો હોવાનું સામે આવતા શો રૂમ ના માલીક જયકુમાર પટેલે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે છેતરપીંડી નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજાપુર ની તીરુસાંઇ ઑટો લીંક ના જયકુમાર પટેલ ભાગીદારી માં મહેસાણા-નાગલપુર-અમદાવાદ હાઈવે પર ૨૦૨૨ થી શો-રૂમ ચલાવે છે અને વિજાપુર-હિંમતનગર હાઈવે પર તેમની બ્રાંચ આવેલી છે. આ વિજાપુર બ્રાંચના ટીમલીડર તરીકે આશરે આઠેક મહિના અગાઉ યોમી દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી, જેનું મુખ્ય કામ નવી ગાડીઓનું વેચાણ કરવાનું હતું. ગઈ તા. ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ બપોરે શો-રૂમ માલિક જયકુમાર પટેલ મહેસાણા શો-રૂમ પર હાજર હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે રાઠોડ શૈલેષભાઈ ઈશ્વરભાઈ નામના ગ્રાહક વિજાપુર બ્રાંચ પર ₹૧,૦૦,૦૦૦/- ની કેશ રિસિપ્ટ સાથે રિક્ષાની ડિલિવરી લેવા આવ્યા હતા. આ રિસિપ્ટની તારીખ ૨૬/૦૯/૨૦૨૫ હતી. શો-રૂમ માલિકને આ રકમ જમા થઈ હોવાની કોઈ જાણ ન હતી. તપાસ કરતાં આ રિસિપ્ટ પર ફરાર ટીમ લીડર દેસાઈ યોમીની સહી હતી.ગ્રાહકોને ફોન કરીને રિક્ષાની ડિલિવરી મળી જશે તેવા આશ્વાસન આપનાર યોમી દેસાઈએ અચાનક શો-રૂમ માલિકો અને ગ્રાહકોના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. ગ્રાહક રાઠોડ શૈલેષભાઈના એડવાન્સ બુકિંગના ₹૧,૦૦,૦૦૦/- યોમી દેસાઈ લઈને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં માલિકોને જાણવા મળ્યું છે કે ફરાર ટીમ લીડર યોમી દેસાઈએ આશરે પાંચથી છ જેટલા અન્ય ગ્રાહકોના વાહનની લોનના હપ્તાની રકમ પણ ગ્રાહકો પાસેથી ઉઘરાવી લીધી છે અને તે રકમ પણ શો-રૂમમાં જમા કર્યા વિના લઈને ભાગી ગયો છે.શો-રૂમ માલિક જયકુમાર પટેલે આ સમગ્ર છેતરપિંડી મામલે દેસાઈ યોમી અશોકકુમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



