
વિશ્વ પર્યાવરણ દિવસે વિજાપુર હરિયાળું બન્યું: શહેરથી ગામડાં સુધી વૃક્ષારોપણનો મહાયજ્ઞ
ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાના સાંનિધ્યમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિજાપુર શહેર અને તાલુકામાં હરિયાળી વધારવા તથા પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવા માટે વિવિધ સ્થળોએ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. શહેરની સાત સમાજની વાડી, ઝવેરી હાઈસ્કૂલ તેમજ તાલુકાના ગુંચળી ગામ ખાતે ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાના સાંનિધ્યમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર અને દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, જિલ્લા સદસ્ય જિગ્નેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય મહેશજી ઠાકોર, તાલુકા સદસ્ય દીપ પટેલ, પ્રદેશ યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ પૌરવભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ખમાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા સદસ્યો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ યુવા મોરચાના કાર્યકર્તા શુભમ જણસારી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં, પ્રદૂષણ ઘટાડવામાં અને માનવજીવનને શુદ્ધ હવા પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવનારી પેઢીને સ્વસ્થ અને હરિયાળું ભવિષ્ય આપવા માટે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો, વૃક્ષારોપણને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો અને ‘વૃક્ષ બચાવો, પર્યાવરણ બચાવો’નો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


