વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
નલીયા ખાતેના પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનનું નિરીક્ષણ કરીને રખરખાવ બાબતે માર્ગદર્શન આપતા મંત્રી
અબડાસા ,તા-૨૦ જૂન : જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજરોજ કચ્છના માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઇ વિભાગ હસ્તક ચાલતા વિકાસકામોનું જાત નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી.મંત્રી એ સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા પણ તાકીદ કરી હતી.
માંડવી ખાતે મંત્રી એ શ્રી વિવેકાંનદ રીસર્સ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે બેઠક કરીને જિલ્લાના ૧૬૨ ગામનો પાણી અંગેનો સર્વે, જળસંચયની સ્થિતિ, વોટર બજેટ, પાણીની શુદ્ધતા સહિતના મુદ્દાઓને આવરી લેતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવે એ હાજર રહીને સંસ્થા દ્વારા પાણી, મહિલા ઉત્થાન, કૃષિ સહિતના મુદે સરકારના સહયોગથી થયેલા કામોની વિગતોથી મંત્રીશ્રીને અવગત કર્યા હતા. માંડવીમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેમજ વર્તમાન પીવાના પાણીના પ્રશ્નો બાબતે ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી હતી.મંત્રી એ નદીઓનું દરિયામાં વહી જતા પાણીને બચાવવા માટે રબર ડેમ બનાવવા અંગેની શક્યતા ચકાસવા સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીએ કોડાય તથા ભાનાડા પંપ હાઉસની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે મંત્રી એ નલીયા ખાતેના પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનની જાત મુલાકાત લઈને અનાજનો જથ્થો, ખરીદી વગેરેની સમીક્ષા કરી ઉત્પાદનના વેચાણ અર્થે આવતા ખેડૂતોની રજૂઆત સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી હતી. અબડાસા તાલુકાના ભારાપરમાં નાની સિંચાઇ યોજનાના પ્રગતિ હેઠળના રિસ્ટોરેશનના ચાલુ કામોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ તાલુકામાં પાણીની સ્થિતિ તથા ડેમોની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ ભારાપર નાની સિંચાઈ યોજના અંગેની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. આગેવાનો તથા ગ્રામજનોએ મંત્રીનુ કચ્છી પાઘ તથા શાલથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.મંત્રી એ ઉસ્તીયા ખાતે સર્ધન લીંક ફેઝ-૨ના ચાલુ કામોની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને કામની પ્રગતિ અંગે વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ ભાડરા ખાતે પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક ડેમના રિપેર તથા મેન્ટેન્સ વર્કના હ્યાત કામની મુલાકાત લઈને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે કામો પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.મંત્રી એ માતાના મઢ ખાતે કચ્છ ધણીયાણી મા આશાપુરાના ચરણોમાં શીશ નમાવીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માતાના મઢ ખાતે સિંચાઇ વિભાગ દ્વારા રીચાર્જ ટેન્કના કામોની મુલાકાત લીધી હતી. આ સાથે નખત્રાણા તાલુકાના મથલ, ઉમરાપર ખાતે નાની સિંચાઇ યોજનાના કામો તેમજ મકનપર ખાતે નોર્ધન લીંક ફેઝ-૨ના ચાલુ કામોની કામગીરીની સમીક્ષા કરી હતી. અધિકારીશ્રીઓને સ્થાનિકકક્ષાએ સમસ્યાઓનું ઝડપી નિવારણ આવે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.આ મુલાકાત દરમિયાન અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત ચેરમેનશ્રી જયદેવસિંહ જાડેજા, આગેવાનશ્રી જયદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તથા વિવિધ ગામના સરપંચઓ, અબડાસા પ્રાંત અધિકારી, ઈરીગેશન તથા પાણી પુરવઠા વિભાગ, વાસ્મો સહિત અન્ય અધિકારીઓ,પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.