ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ સરકારી બી.એડ. કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલની ફરિયાદ બાદ મંત્રી પી.સી. બરંડાની અચાનક મુલાકાત | પ્રાધ્યાપકોની સમયપાલન અને કામગીરી સામે ગંભીર સવાલો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ સરકારી બી.એડ. કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલની ફરિયાદ બાદ મંત્રી પી.સી. બરંડાની અચાનક મુલાકાત | પ્રાધ્યાપકોની સમયપાલન અને કામગીરી સામે ગંભીર સવાલો

અરવલ્લી : મેઘરજની સરકારી બી.એડ. કોલેજમાં પ્રાધ્યાપકોની અનિયમિતતા અને સમયપાલનનો મામલો હવે ગરમાયો છે. કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા કેટલાક પ્રાધ્યાપકોની અનિયમિતતા અંગે કમિશનર વિભાગમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા રાજ્યમંત્રી પી.સી. બરંડાએ મેઘરજ સરકારી બી.એડ. કોલેજની અચાનક મુલાકાત લેતા કોલેજમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

કોલેજમાં કેટલાક પ્રાધ્યાપકો સમયસર હાજર રહેતા ન હોવા તેમજ તાલીમાર્થીઓના શૈક્ષણિક હિતને અસર થતી હોવાના આક્ષેપો વચ્ચે મંત્રીએ સમગ્ર મામલે સ્થળ પર જ માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન પ્રાધ્યાપકોની હાજરી, સમયપાલન અને કોલેજની દૈનિક કામગીરી અંગે મંત્રીએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.મુલાકાત દરમિયાન પ્રાધ્યાપકોના હાજરી મસ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી. મંત્રીએ મસ્ટરમાં ખાલી રહેલી કોલમમાં લાલ પેનથી શેરો કરતાં હાજરી વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા હતા. મંત્રીએ પ્રાધ્યાપકોને કડક શબ્દોમાં ટકોર કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન કરવા સૂચના આપી હતી.

મંત્રી પી.સી. બરંડાએ પ્રાધ્યાપકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અહીં રહીને જ નોકરી કરો, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન કરો.”

કોલેજમાં પ્રાધ્યાપકોની મનમાની અને આંતરિક ખેંચતાણના પણ આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક પ્રાધ્યાપકો દ્વારા કોલેજના કર્મચારીને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે .ઈન્ચાર્જ પ્રિન્સિપાલની લેખિત ફરિયાદથી શરૂ થયેલો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ મંત્રીની અચાનક મુલાકાતે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી છે. હવે પ્રાધ્યાપકોની હાજરી, સમયપાલન અને કામગીરી અંગે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

Back to top button
error: Content is protected !!