
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ : બે બાળ કિશોર સહિત પાંચ આરોપી ઝડપાયા, રેલ્લાવાડા સ્મશાનની ઓરડીમાં બાઈકનો સંતાડી વહેંચતા હોવાનો ખુલાસો – મામા એ જ કિશોરોને ચોરી શીખવાડી
અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસે વાહન ચોરીના ગુનાઓ સામે નોંધપાત્ર સફળતા મેળવી છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડીને વાહન ચોરીના અનડિટેક્ટ છ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી એક મોટરસાયકલ તેમજ ટ્રેક્ટરના કલ્ટિવેટર જોડવાના લોખંડના સાધનો સહિત કુલ રૂ. 19,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને વિરેન્દ્રસિંહ યાદવ (નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ), મનોહરસિંહ એન. જાડેજા (પોલીસ અધિક્ષક, અરવલ્લી) તથા જે.ડી. વાઘેલા (નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ) દ્વારા જિલ્લામાં ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનું ડિટેક્શન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે અન્વયે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેક અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન સાઈ મંદિરથી સહયોગ ચોકડી તરફ જઈ રહેલી RJ-27-BP-5606 નંબરની મોટરસાયકલ પર સવાર બે શંકાસ્પદ કિશોરોને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. મોટરસાયકલના દસ્તાવેજો રજૂ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ વિશ્વાસમાં લઈને કરાયેલી પૂછપરછમાં બંનેએ પાંચ દિવસ અગાઉ મોડાસાના પેલેટ ચાર રસ્તા નજીક અરવલ્લી બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલી રાજસ્થાની પંજાબી દાલ-બાટી હોટલના પાર્કિંગમાંથી આ મોટરસાયકલ ચોરી હોવાની કબૂલાત કરી હતી.વધુ પૂછપરછ દરમિયાન બંને બાળ કિશોરોએ રેલ્લાવાડા વિસ્તારમાંથી ટ્રેક્ટરના કલ્ટિવેટર જોડવાના લોખંડના બે ટોપલિન અને ટ્રેક્ટરનું ઢોબર ચોરી કરીને મેઘરજ ખાતે ભંગારના વેપારીને વેચી દીધા હોવાનું જણાવ્યું હતું. તપાસમાં આ મામલે ઇસરી પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું.
તપાસ આગળ વધતા ચોરીના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામના અનિલભાઈ અર્જુનભાઈ નાયક નામના આરોપીએ બંને બાળ કિશોરોને અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇકો ચોરી કરવાની સૂચના આપી હતી. ચોરી કરેલી બાઇકોને રેલ્લાવાડા ખાતે મહાદેવ મોલ પાછળ નદીની કોતર પાસે આવેલા એક ઓરડામાં સંતાડવામાં આવતી હતી. ત્યારબાદ અનિલભાઈ પોતાના ભાઈ કમલેશભાઈ, વિનોદભાઈ તથા અન્ય એક સાગરિત સાથે GJ-17-UU-7967 નંબરની પિકઅપ ગાડીમાં આવી તમામ બાઇકો લઈ જઈ છૂટકમાં વેચી દેતા હતા.પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ છેલ્લા બે વર્ષમાં મોડાસા, મેઘરજ અને ઇસરી વિસ્તારમાંથી 20થી વધુ મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ દાવાની પણ તપાસ શરૂ કરી છે.
આરોપીઓએ મોડાસા ખેર સર્કલ, બસ સ્ટેન્ડ પાછળ, મેઘરજ રોડ પર ઘેલીમાતા મંદિર નજીક તેમજ રેલ્લાવાડા વિસ્તારમાંથી ચાર અલગ-અલગ મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ કબૂલાતના આધારે મોડાસા ટાઉન, ઇસરી અને મેઘરજ સહિતના પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ છ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.પોલીસે તપાસ દરમિયાન મેઘરજના ભંગાર વેપારી પાસેથી ટ્રેક્ટરના ચોરીના સાધનો કબજે કર્યા હતા. ઉપરાંત ચોરીની HF ડિલક્સ મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી હતી. કુલ રૂ. 19,500નો મુદ્દામાલ કબજે કરીને બે બાળ કિશોર સહિત ત્રણ પુખ્ત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મોડાસા ટાઉન પોલીસ હવે આરોપીઓની કબૂલાતના આધારે છેલ્લા બે વર્ષમાં થયેલી અન્ય વાહન ચોરીની ઘટનાઓની પણ તપાસ કરી રહી છે. જો વધુ ગુનાઓ ખુલશે તો આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




