GUJARAT

MORBI:મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર

MORBI:મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર

સરકાર અને ખાનગી કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી મોરબીમાં ઔદ્યોગિક રોજગારીની નવી દિશાઓ ખૂલી: ઓન-ધ-સ્પોટ ઇન્ટરવ્યૂ દ્વારા અનેક ઉમેદવારોને મળી રોજગારીની તક

સ્થાનિક કક્ષાએ યોજાતા આયોજનોથી ગ્રામ્ય અને શહેરી યુવાનોને ઘરઆંગણે મળી ગમતી નોકરી

રાજ્યના શિક્ષિત યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય અનુસાર યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ તેઓ પોતાના પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં યુવાનોના સશક્તિકરણ અને સ્વનિર્ભરતા માટે મોટા પાયે રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ અને ઔદ્યોગિક એકમોના સહયોગથી યોજાતા આ મેગા ભરતી મેળાઓ રોજગારવાંચ્છુક યુવાનો અને નોકરીદાતાઓ વચ્ચે એક મજબૂત કડી સમાન સાબિત થયા છે.આ નીતિના ભાગરૂપે, મોરબી જિલ્લામાં પણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અવારનવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ ઔદ્યોગિક ભરતી મેળાઓનું સુચારુ આયોજન કરવામાં આવે છે. મોરબી જિલ્લાની ભૌગોલિક અને ઔદ્યોગિક ક્ષમતાને ધ્યાને રાખીને સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ આ મેળાઓ યોજાતા હોવાથી, જિલ્લાના અનેક આશાસ્પદ યુવાનોને પારદર્શક પ્રક્રિયા દ્વારા સીધી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. ઘરઆંગણે જ રોજગારની શ્રેષ્ઠ તકો મળતાં મોરબીનું યુવાધન આજે આર્થિક રીતે પગભર બનીને ગૌરવભેર જીવન જીવી રહ્યું છે.

સફળ ઉમેદવારોના પ્રેરણાદાયી પ્રતિભાવો:ટ્રાયલ બાદ સર્જિકલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર બન્યા શિવમ પાલ:

મોરબી જિલ્લાના યુવાન શિવમ પાલે પોતાનો અનુભવ વર્ણવતા હતું કે, “મેં ટંકારા ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળાનો લાભ લીધો હતો. ત્યાં મારી લાયકાત મુજબ પ્રાથમિક તબક્કે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થતાં જ મને પ્રતિષ્ઠિત સર્જિકલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી ગઈ છે. હાલ હું માસિક રૂ. ૧૫,૦૦૦/- નો આકર્ષક પગાર મેળવી રહ્યો છું. મને લાયકાત મુજબ આજીવિકા પૂરી પાડવા બદલ હું જિલ્લા રોજગાર કચેરી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.”

વાંકાનેર ખાતે રહેતા ઉર્વશીબેને સરકારશ્રીના ડિજિટલ અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું કે, “મને સોશિયલ મીડિયાના માધ્યમથી વાંકાનેર ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળાની જાણકારી મળી હતી. આ મેળામાં અંદાજે ૩૩ જેટલી નામાંકિત કંપનીઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહી હતી. મેં ત્યાં રૂબરૂ જઈને ઓન-ધ-સ્પોટ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં સકારાત્મક પરિણામ સાથે તેજસ કંપનીમાં મારી પસંદગી થઈ હતી. હાલ હું કંપનીના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટમાં બિલિંગ વર્કની મહત્વની જવાબદારી સંભાળું છું. મારા મનપસંદ ક્ષેત્રમાં જ મને ગમતી નોકરી મળી જતાં મારો આત્મવિશ્વાસ વધ્યો છે, જે બદલ હું સરકારશ્રીના આ આયોજનની આભારી છું.”

 

રોજગાર કચેરીના સઘન અને પારદર્શક આયોજનોના પરિણામે મોરબી જિલ્લાના અનેક પરિવારોના દીપક રોશન થયા છે. ઉદ્યોગોને કુશળ માનવબળ અને યુવાનોને સન્માનજનક રોજગારી પૂરી પાડતા આ ભરતી મેળાઓ સાચા અર્થમાં આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!