GUJARAT:ગુજરાતમાં દારૂબંધી કે દંભ? વારંવારના લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટ સિસ્ટમ પર ઊઠતા ગંભીર સવાલો

GUJARAT:ગુજરાતમાં દારૂબંધી કે દંભ? વારંવારના લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટ સિસ્ટમ પર ઊઠતા ગંભીર સવાલો
ગાંધીના ગુજરાતમાં ‘મોતનો વેપાર’: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ મોરબી માટે લાલબત્તી, તંત્ર ક્યારે જાગશે?
ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં વારંવાર બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓ હવે માત્ર કોઈ એક બુટલેગર કે ગુનેગારની નાદાની નથી રહી, પરંતુ સમગ્ર સરકારી સિસ્ટમ અને પોલીસ તંત્રની ભયાવહ નિષ્ફળતા અને વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી ખાતી વાસ્તવિકતા બની ગઈ છે. દારૂબંધીના કડક કાયદા હોવા છતાં રાજ્યમાં દેશી અને વિદેશી દારૂનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે.
દેશી દારૂ બનાવનારા તત્વો વધુ નફો રળવાની અને દારૂમાં ઝડપી આથો લાવવાની લ્હાયમાં મિથેનોલ જેવા અત્યંત ઝેરી અને જીવલેણ રસાયણોનો બેફામ ઉપયોગ કરે છે. આ કેમિકલ યુક્ત દારૂ પીવાથી માનવજીવ જોખમમાં મુકાશે તે જાણતા હોવા છતાં, કાયદાના ડર વગર ખુલ્લેઆમ ઝેર વેચવામાં આવી રહ્યું છે.
ભાવનગરની આ ગોઝારી ઘટના મોરબી માટે પણ એક મોટી લાલબત્તી સમાન છે. મોરબીમાં પણ હાલ દારૂની બદી અત્યંત ફૂલીફાલી છે: મોરબીમાં માત્ર એક ફોન કરો અને જ્યાં કહો ત્યાં વિદેશી દારૂની ડિલિવરી મળી જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ ઠેર-ઠેર ધમધમી રહ્યા છે, જે સમગ્ર ગેરકાયદેસર કારોબાર સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો હોવાની વ્યાપક ચર્ચાઓ છે.
સમયસર જાગવાની જરૂર: ભાવનગરના નકલી દારૂ કાંડથી સબક લઈ મોરબી પોલીસે તાત્કાલિક જાગવાની જરૂર છે. મોરબીમાં પણ આવી કોઈ દુર્ઘટના સર્જાય અને નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલાં દારૂના આ કાળા કારોબાર પર કડક હાથે એક્શન લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
સ્થાનિક પોલીસની રહેમનજર અને હપ્તાખોરી વિના કોઈપણ વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલવો અશક્ય હોવાનો સૂર સામાન્ય જનતામાં ઉઠ્યો છે.કાયદાનો અમલ કરાવવાની જેમના શિરે જવાબદારી છે, તે જ કાયદાપાલકો આ ભ્રષ્ટ નેટવર્ક સામે આંખ આડા કાન કરી રહ્યા છે.લઠ્ઠાકાંડ સર્જાય ત્યારે જિલ્લા કે રેન્જ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અજાણ હોવાનો ડોળ કરે છે. પરંતુ તેમના તાબા હેઠળ ચાલતું આ વિશાળ નેટવર્ક તેમની મંજૂરી કે બેદરકારી વિના શક્ય જ નથી.
જ્યારે પણ કોઈ મોટી જાનહાનિ થાય ત્યારે પ્રજાનો આક્રોશ શાંત કરવા માટે નીચેના સ્તરના બે-ચાર કોન્સ્ટેબલ કે પી.આઈ.ને સસ્પેન્ડ કે ટ્રાન્સફર કરીને બલિનો બકરો બનાવવામાં આવે છે, જ્યારે મોટા માથાઓને સુરક્ષિત રાખીને ‘ક્લીનચીટ’ આપી દેવાય છે.જે પોલીસ વિભાગની બેદરકારીથી ઘટના બની હોય તે જ તંત્રને તપાસ સોંપવી અથવા સરકાર દ્વારા માનીતા અધિકારીઓની કમિટી બનાવીને મૂળ સમસ્યા પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.ઘટના બને ત્યારે મીડિયામાં હોબાળો થાય છે, નેતાઓના આશ્વાસનો અને સહાયની જાહેરાતો થાય છે. પરંતુ સમય વીતતા જ તંત્ર અને પ્રજા બંને આ ઘટના ભૂલી જાય છે. પરિણામે થોડા જ મહિનાઓમાં જૂની સિસ્ટમ ફરી સક્રિય થઈ જાય છે અને નવા લઠ્ઠાકાંડની જમીન તૈયાર થાય છે.
જ્યાં સુધી ઉચ્ચ સ્તરના અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં નહીં આવે અને નિષ્પક્ષ તપાસ નહીં થાય, ત્યાં સુધી ગરીબ અને શ્રમિક વર્ગ આ ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ બનતો રહેશે.











