MORBI:મોરબીના નવલખી રોડ પર રહેતા દંપતીનું વાહન અકસ્માતમાં દુઃખદ નિધન: પીપળીયા-વવાણીયા રોડ પર સર્જાયો કરૂણ અકસ્માત




MORBI:મોરબીના નવલખી રોડ પર રહેતા દંપતીનું વાહન અકસ્માતમાં દુઃખદ નિધન: પીપળીયા-વવાણીયા રોડ પર સર્જાયો કરૂણ અકસ્માત

રીપોર્ટ મોહસીન શેખ દ્વારા – મોરબી:પીપળીયા-વવાણીયા રોડ પર નાના દહીંસરાના પાટિયા પાસે, વાસુકી કોલ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. દરગાહેથી દર્શન કરીને બાઈક પર પરત ફરી રહેલા મોરબીના દંપતીને સામેથી આવી રહેલા કોલસા ભરેલા ટ્રકે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મોરબીના નવલખી રોડ પર આવેલા રણછોડનગર પાછળ, રિદ્ધિ પાર્કમાં રહેતા રહીમભાઈ ઇશાકભાઈ ચિચોદરા (ઉં.વ. ૫૦) અને તેમના પત્ની મેરુનબેન રહીમભાઈ ચિચોદરા (ઉં.વ. ૪૮) પોતાના બાઈક પર દરગાહેથી ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન નાના દહીંસરાના પાટિયા પાસે વાસુકી કોલ નજીક સામેથી આવી રહેલા નંબર પ્લેટ વગરના અને કોલસાથી ભરેલા એક ટ્રકે બાઈકને અડફેટે લીધું હતું.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે દંપતીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. મૃતક રહીમભાઈ ચક્કી (ઘંટી) ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અચાનક અવસાનથી તેમના ૨૦ વર્ષના પુત્ર અને ૧૮ વર્ષની પુત્રી પરથી માતા-પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


