MORBI:મોરબી સનાળા બાયપાસ બ્રિજ પર જોખમી હાલતમાં લટકતો સ્ટ્રીટ લાઈટનો પોલ, મોટા અકસ્માતની દહેશત

MORBI:મોરબી સનાળા બાયપાસ બ્રિજ પર જોખમી હાલતમાં લટકતો સ્ટ્રીટ લાઈટનો પોલ, મોટા અકસ્માતની દહેશત
મોરબીના વ્યસ્ત ગણાતા સનાળા બાયપાસ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે એક મોટા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બ્રિજ પર આવેલો એક સ્ટ્રીટ લાઈટનો લોખંડનો ભારેખમ પોલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી જોખમી હાલતમાં લટકી રહ્યો છે, જેને કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોના માથે અકસ્માતનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સનાળા બાયપાસ બ્રિજ પર આવેલો આ સ્ટ્રીટ લાઈટનો પોલ નીચેથી ક્ષતિગ્રસ્ત થઈને એકતરફ નમી ગયો છે. પોલ રસ્તાની તરફ આડો થઈ ગયો હોવાથી, ખાસ કરીને રાત્રિના સમયે અથવા તો કોઈ મોટા વાહનની અવરજવર વખતે તે તૂટીને નીચે પડે તેવી પૂરેપૂરી આશંકા છે.
સનાળા બાયપાસ એ મોરબીનો અત્યંત ધમધમતો વિસ્તાર છે. આ બ્રિજ પરથી રોજિંદા હજારો નાના-મોટા વાહનો, માલવાહક ટ્રકો અને મુસાફરો પસાર થાય છે. આવા વ્યસ્ત રોડ પર જો આ નમેલો પોલ અચાનક ચાલુ વાહને નીચે પડે, તો કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાતા વાર નહીં લાગે. “તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? આ પોલ ગમે ત્યારે પડી શકે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નમેલા પોલનું સમારકામ કરવામાં આવે અથવા તેને હટાવીને નવો પોલ નાખવામાં આવે જેથી કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય.”હવે જોવાનું એ રહ્યું કે મોરબીનું તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને સ્થાનિકોની માંગણી સ્વીકારીને અકસ્માત સર્જાય તે પહેલાં વહેલી તકે કામગીરી હાથ ધરે છે કે નહીં!









