MORBI:મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી: મચ્છુ કેનાલ છલકાતા રસ્તા બન્યા નદી સમાન, લાખો લીટર પાણીનો વેડફાટ







MORBI:મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી: મચ્છુ કેનાલ છલકાતા રસ્તા બન્યા નદી સમાન, લાખો લીટર પાણીનો વેડફાટ


મોરબીમાં સરકારી તંત્રની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ખેડૂતોના પિયત માટે મચ્છુ કેનાલમાં છોડવામાં આવેલું પાણી ઓવરફ્લો થઈને કેનાલની બહાર આવી જતાં મોરબીના મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. લાખો લીટર કિંમતી પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખુદ ધારાસભ્યની ઓફિસ નીચે જ લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો હોવા છતાં, જવાબદાર નેતાઓ અને કોર્પોરેટરો જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ મૌન સેવીને બેઠા છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો સોશિયલ મીડિયા અને રસ્તા પર ઉતરીને વેધક સવાલો પૂછી રહ્યા છે:

રવાપરથી વર્ધમાન ચોકડી સુધી જળબંબોળ, વાહનો ફસાયા
કેનાલ છલકાવાને કારણે રવાપર ચોકડીથી વર્ધમાન ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો અધવચ્ચે બંધ પડી ગયા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
એક તરફ અછત, બીજી તરફ બગાડ: સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક તરફ ખેડૂતો પોતાના પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તંત્રના નબળા સંચાલનને કારણે લાખો લીટર કિંમતી પાણી રસ્તાઓ પર વહીને વેડફાઈ રહ્યું છે.

ચૂંટણી ટાણે મત માંગવા આવતા નેતાઓ હવે ક્યાં? જનતાનો વેધક સવાલ
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તંત્ર તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે:ચૂંટણી સમયે હાથ જોડીને મત માંગવા આવતા કોર્પોરેટરો અને ધારાસભ્ય અત્યારે આટલી મોટી સમસ્યા છતાં કેમ મૌન સેવીને બેઠા છે?
કેનાલમાં પાણી છોડતી વખતે તંત્ર દ્વારા પૂરતી તકેદારી કેમ રાખવામાં ન આવી? વારંવાર સર્જાતી આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને રસ્તા પર ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહેશે કે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર આ મુદ્દે ક્યારે જાગે છે.



