MORBI:મોરબીના આંદરણા ગામે તસ્કરોનો આતંક: બંધ મકાનમાંથી રૂ. ૭.૩૬ લાખની મત્તાની ચોરી

MORBI:મોરબીના આંદરણા ગામે તસ્કરોનો આતંક: બંધ મકાનમાંથી રૂ. ૭.૩૬ લાખની મત્તાની ચોરી
મોરબી તાલુકાના આંદરણા ગામે તસ્કરોએ કાયદાના ડર વગર એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી આચરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રિના સમયે તસ્કરોએ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૭,૩૬,૯૦૦ ના મુદ્દામાલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, આંદરણા ગામે રહેતા અને લુહારી કામ કરીને ગુજરાન ચલાવતા કમલેશભાઇ મેરામણભાઇ બોરાણા (ઉ.વ.૫૦)નું મકાન રાત્રિના સમયે બંધ હતું. તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી, તાળું બહાર કાઢીને ગુપ્ત રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ તસ્કરોએ ઘરના બંને રૂમમાં રાખેલા લોખંડના બંધ કબાટોના લોક પણ તોડી નાખ્યા હતા. કબાટની અંદર રાખવામાં આવેલા સોના-ચાંદીના કિંમતી દાગીના, રોકડા રૂપિયા તેમજ એક કાંડા ઘડિયાળ મળી કુલ રૂ. ૭,૩૬,૯૦૦/- ની મત્તા ચોરી કરીને શખ્સો નાસી છૂટ્યા હતા.ઘરમાલિક કમલેશભાઇ બોરાણાએ આ અંગે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગામડામાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.








