MORBI:મોરબી પીપળી ગામમાં સગર્ભા પરિણીતા પર સાસરિયાંનો ત્રાસ; ફિનાઇલ પીતાં ૫ સામે ગુનો

MORBI:મોરબી પીપળી ગામમાં સગર્ભા પરિણીતા પર સાસરિયાંનો ત્રાસ; ફિનાઇલ પીતાં ૫ સામે ગુનો
મોરબી તાલુકાના પીપળી ગામે સાસરિયાં દ્વારા કરિયાવર બાબતે અવારનવાર મેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સાસરિયાંના ત્રાસ અને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોથી કંટાળીને સગર્ભા પરિણીતાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતાં મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પાંચ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગતો અનુસાર, પીપળી ગામે રહેતાં અને ઘરકામ કરતાં હિનાબેન પ્રદિપભાઇ ડાભી (ઉં.વ. ૨૬) ના લગ્ન પીપળી ગામના પ્રદિપભાઈ સાથે થયા હતા. હિનાબેન સગર્ભા હોવા છતાં, તેમના પતિ પ્રદિપભાઈ ગાંડાભાઈ ડાભી, સાસુ દેવુબેન ગાંડાભાઈ ડાભી, સસરા ગાંડાભાઈ ડાભી, જેઠાણી હેમુબેન કલ્પેશભાઈ ડાભી તથા નણંદ મીનાબેન સંદિપભાઈ દ્વારા તેમને અવારનવાર ઘરકામ અને કરિયાવર બાબતે “તું પિયરમાંથી કંઈ લાવેલ નથી” તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.દરમિયાન, ફરિયાદીના પતિ પ્રદિપભાઇને અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ હોવાનું સામે આવતાં, આ બાબતે વિરોધ કરવા પર પતિ તથા સાસરિયાંઓએ “તું અમને જોઇતી નથી, તને રાખવી નથી” તેમ કહી માનસિક સિતમ ગુજાર્યો હતો. આટલું જ નહીં, પતિ પ્રદિપભાઇએ ફરિયાદીને ઝાપટ મારી ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકતાં, આઘાતમાં આવી ગયેલી પરિણીતાએ પોતાની મેળે ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટના અંગે પરિણીતાની ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે આરોપી પતિ, સાસુ, સસરા, જેઠાણી અને નણંદ સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






