GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શ્રાવણ માસે કતલ અર્થે લઈ જવાતા ૩ પશુઓ ઉગારાયા

 

MORBI:મોરબીમાં શ્રાવણ માસે કતલ અર્થે લઈ જવાતા ૩ પશુઓ ઉગારાયા: શક્તિ ચોકમાં કતલખાના બંધ હોવા છતાં પશુઓ ક્યાં લઈ જવાતા હતા? હિન્દુ સંગઠનોએ ઉઠાવ્યા સવાલ

 

શ્રાવણ માસના પવિત્ર દિવસો દરમિયાન મોરબીમાં ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જીવદયાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. પીપળીયા ચાર રસ્તા તરફથી શક્તિ ચોક તરફ બોલેરો પીકઅપ વાહનમાં શંકાસ્પદ રીતે લઈ જવાતા ૩ અબોલ જીવો (ભેંસના પાડા)ને પીછો કરીને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તમામ જીવોને મોરબી પાંજરાપોળ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાક્રમ અને સંયુક્ત કામગીરી :મળતી ચોક્કસ બાતમીના આધારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), હિન્દુ યુવા વાહિની, રાષ્ટ્રીય સનાતન સેના તથા ચોટીલા અને લીમડી ગૌરક્ષક ટીમો દ્વારા પીપળીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

શંકાસ્પદ બોલેરો વાહન (નંબર GJ-03-BW-5085) પસાર થતાં જ ટીમોએ તેનો પીછો કર્યો હતો અને ૧૧૨ પોલીસ હેલ્પલાઇનને તાત્કાલિક જાણ કરી રોકડિયા હનુમાન મંદિર નજીક વાહનને આંતર્યું હતું. વાહનની તપાસ દરમિયાન અંદરથી ૩ અબોલ જીવો મળી આવ્યા હતા, જેમના માટે ઘાસચારા કે પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી તેમજ વાહનચાલક પાસે જરૂરી પરિવહન પરમિટ પણ ન હતી.

પોલીસ કાર્યવાહી અને પાંજરાપોળ આશ્રય : મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનચાલક તેમજ વાહનને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની તપાસ શરૂ કરી છે. ગૌરક્ષકો દ્વારા પોલીસ પ્રશાસન તરફથી મળેલા ઝડપી સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુ સંગઠનોનો મોટો સવાલ: કતલખાના બંધ છે તો પશુઓ ક્યાં કાપવાના હતા? મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના શક્તિ ચોક વિસ્તાર સહિત તમામ રેસિડેન્શિયલ અને જાહેર વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાના સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યા છે. ત્યારે હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો દ્વારા પોલીસ પ્રશાસન સમક્ષ ગંભીર સવાલો સાથે કડક માંગ કરવામાં આવી છે:

જો મહાનગરપાલિકા દ્વારા કતલખાના બંધ જ છે, તો આ ૩ અબોલ જીવોને શક્તિ ચોક વિસ્તારમાં કયા ચોક્કસ સ્થળે લઈ જવામાં આવી રહ્યા હતા?આ પશુઓ કોના કહેવાથી લાવવામાં આવ્યા હતા અને તેમને કોણ કાપવાનું હતું?આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે?સંગઠનોએ માંગ કરી છે કે વાહનચાલકની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અંતિમ સ્થળ અને સંકળાયેલા તમામ જવાબદારો સામે ગુનો નોંધી કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!