JODIYA જોડિયાના બાલંભા આઉટ પોસ્ટ પોલીસ દ્વારા: તારાણા ટોલનાકા પાસે વાહન ચેકિંગ ડ્રાઇવ યોજી કડક કાર્યવાહી કરાઈ







JODIYA જોડિયાના બાલંભા આઉટ પોસ્ટ પોલીસ દ્વારા: તારાણા ટોલનાકા પાસે વાહન ચેકિંગ ડ્રાઇવ યોજી કડક કાર્યવાહી કરાઈ



રિપોર્ટ લલીતભાઈ નિમાવત બાલંભા
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને કાયદાનો ભંગ કરી રસ્તા પર વાહનો દોડાવતા તત્વો સામે જોડિયા તાલુકાની બાલંભા આઉટ પોસ્ટ પોલીસે લાલઆંખ કરી છે. બાલંભા પોલીસ સ્ટાફ દ્વારા ટોલનાકા પાસે ખાસ ડ્રાઇવનું આયોજન કરી નિયમભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, જોડિયા તાલુકા પોલીસ મથકના બાલંભા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. ડી. જાડેજા તેમજ બાલંભા ઓ.પી. સ્ટાફ દ્વારા તારાણા ટોલનાકા પાસે એક વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે કારના કાચ પર ડાર્ક ફિલ્મ (કાળી ફિલ્મ) લગાવીને ફરતા વાહન ચાલકોને અટકાવી સ્થળ પર જ ડાર્ક ફિલ્મ દૂર કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત, ટ્રાફિકના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારા, જરૂરી દસ્તાવેજો વિના અને કાયદાનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે પણ પોલીસે કડક આકરાં પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરી હતી. પોલીસની આ આકસ્મિક ડ્રાઇવને પગલે નિયમભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.


