
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*પ્રાકૃતિક કૃષિ વિશેષ*
*રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હોય તેવા સમયમાં બનાભાઈએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવી*
*પ્રાકૃતિક કૃષિમાં સફળતાની પ્રેરણા બન્યા બનાભાઈ કટારા….દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત કુદરતી ખાતરોનો ઉપયોગ…*
*ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી બનાભાઈને બાયો રિસોર્સ સેન્ટર (BRC) પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. એક લાખની સહાય…*
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઝાલોદર ગામના ખેડૂત બનાભાઈ કટારા આજે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં એક ઉજ્વળ ઉદાહરણ બની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હોય તેવા સમયમાં બનાભાઈએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવી અને તેમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમની આ સફળતા વ્યક્તિગત સિદ્ધિ સાથે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે.
બનાભાઈ કટારા પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોને અનુસરીને ખેતી કરે છે, જેમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત કુદરતી ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં વિવિધ પ્રકારના ખાતરો તૈયાર કરવામાં આવે છે, જેમ કે જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર અને લીમડાની પેષ્ટ જેવા કુદરતી દ્રાવણો. આ ખાતરો જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ કરે છે, જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધારે છે અને પાકને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. આ પદ્ધતિથી રાસાયણિક ખાતરોનો ખર્ચ બચે છે અને જમીનની કુદરતી ફળદ્રુપતા જળવાઈ રહે છે.ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી બનાભાઈને બાયો રિસોર્સ સેન્ટર (BRC) પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. એક લાખની સહાય મળી છે. આ પ્લાન્ટ દ્વારા તેઓ જીવામૃત જેવા કુદરતી ખાતરોનું ઉત્પાદન કરી રહ્યા છે, જેનાથી તેમની ખેતી વધુ સ્વાવલંબી અને ખર્ચાળુ બની છે. આ સહાયથી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખાતરો પૂરા પાડીને સમાજમાં ફાળો આપી રહ્યા છે.આજે ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને તાલીમ, દેશી ગાય સહાય યોજના (માસિક રૂ. ૯૦૦ની સહાય), સોઈલ હેલ્થ કાર્ડ અને અન્ય સહાયો આપવામાં આવે છે. આ યોજનાઓથી ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે, જેનાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે, પાણીનો વપરાશ ઘટે છે અને આરોગ્યપ્રદ પાકનું ઉત્પાદન વધે છે.પ્રાકૃતિક કૃષિ પર્યાવરણને બચાવે છે,અને સાથે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ પણ વધારે છે.





