MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા મીયાણામાં જૂની અદાવતમાં આડેધડ ફાયરિંગમાં, આધેડનું કરુણ મોત; ૬ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ

 

MALIYA (Miyana):માળિયા મીયાણામાં જૂની અદાવતમાં આડેધડ ફાયરિંગમાં, આધેડનું કરુણ મોત; ૬ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ હત્યા, લૂંટ અને મારામારીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. દરમિયાન ગઈકાલે સાંજે માળિયા મીયાણા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે જૂની અદાવતનો ખાર રાખીને એક આધેડ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નીપજ્યું છે. આ ચકચારી બનાવ અંગે મૃતકના પત્નીએ કુલ ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માળિયા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમારભાઈ મોવર (ઉ.વ. ૫૧) નામના આધેડ સોમવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા. આ સમયે સ્વિફ્ટ કારમાં સફીર મોવર અને અન્ય ચાર અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરીને સફીરે હૈદરભાઈ પર બંદૂક જેવા હથિયારમાંથી આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

આ હુમલામાં હૈદરભાઈને માથા, ગળા, છાતી અને પેટના ભાગે છરા વાગતાં તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં જ માળિયા મીયાણા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર છે. અંદાજે દોઢ વર્ષ પહેલાં મૃતક હૈદરભાઈ મોવર દ્વારા સફીરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનો ખાર રાખીને ગઈકાલે આ વળતો હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.આ ઘાતકી હત્યાના મામલે મૃતકના પત્ની સાઇનાબેન હૈદરભાઈ મોવરે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ઇલિયાસ મુસાભાઇ મોવર, તેના ભાઈ સફીર મુસાભાઈ મોવર અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે આક્ષેપ કર્યો છે.ફરિયાદીના પતિ હૈદરભાઈને છેલ્લા બે વર્ષથી ઇલિયાસ અને સફીર સાથે ધંધા બાબતે મનદુખ ચાલતું હતું.આ વૈમનસ્યના કારણે ભાજપ પ્રમુખ ઇલિયાસના કહેવાથી તેના ભાઈ સફીર અને અન્ય ચાર શખ્સોએ હૈદરભાઈની હત્યા કરવાનું પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું.કાવતરાના ભાગરૂપે જ ગઈકાલે સ્વિફ્ટ ગાડીમાં આવીને સફીરે હૈદરભાઈ પર જીવલેણ ફાયરિંગ કર્યું હતું.હાલમાં માળિયા પોલીસે આ ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરૂદ્ધ હત્યા અને કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને, ફરાર થઈ ગયેલ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!