MORBi:મોરબી બીએપીએસ સંસ્થાના સેવક દ્વારા પત્રકાર પરિષદ યોજી દિવાલના બાંધકામ અંગે આપી વિસ્તૃત માહિતી
MORBi:મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં થઈ રહેલ સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ માલિકીની જગ્યા ઉપર થઈ રહ્યું હોવાનો ખુલાસો:સ્વામિનારાયણ હરિભક્ત ભરત બોપલીયા
માલિકીની જગ્યામાં જ બાંધકામ કરાયું છે તેમ છતાં પ્રશાસન જે નિર્ણય કરે તે માન્ય : BAPS
મચ્છુ નદી પાસે માલિકીની જગ્યામાં બગીચો અને નયનરમ્ય ઘાટ બનાવવાનો હેતુ હોવાનું સેવકે જણાવ્યું
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સંસ્થા દ્વારા કોઈપણ જાતની બાંધકામ મંજૂરી વગર વિશાળ ઊંચી દીવાલ ચણી લેવા બાબતે પાલિકા દ્વારા નોટિસ આપી આ બાંધકામ ૩૦ દિવસમાં હટાવવા આદેશ કર્યો છે. ત્યારે આ મામલે બીએપીએસ સંસ્થા દ્વારા ખુલાસો કરતા જણાવ્યું હતું કે મચ્છુ નદી પાસે માલિકીની જગ્યા પર જ દીવાલ ચણાઈ રહી હોવાનું અને અહીં બગીચો તથા ઘાટ બનાવવામાં આવી રહ્યો હોવાનું તેમજ નદીના વ્હેણને રોકી દીવાલ ઊભી નથી કરાઈ ત્યાં નાની દીવાલ હતી તે ઊંચી કરેલ છે અને તે પ્રશાસન કહેશે તો તેને હટાવી દેવાશે તેવો ખુલાસો કર્યો હતો.
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે રેવન્યુ સર્વે નંબર ૧૭ પૈકી ૨, ૧૮ પૈકી ૧, ૧૮ પૈકી ૨ અને ૨૦ પૈકી ૪ પૈકી ૨ માં ઝૂલતાપુલ પાસે બીએપીએસ સ્વામીનારાય સંસ્થા દ્વારા નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર દિવાલનું બાંધકામ કર્યું જે મામલે મોરબી બાર એસોસિએશન પ્રમુખ અને અન્ય જાગૃત નાગરિકો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવતા જીલ્લા કલેકટરે આ બાબતે સિંચાઈ વિભાગ, પાલિકા અને પ્રાંત અધિકારી સહિતનાઓને તપાસના આદેશો આપ્યા હોય જે તપાસના અંતે મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી ૩૦ દિવસમાં બાંધકામ દૂર કરવા આદેશ આપ્યો હતો.
ઉપરોક્ત પાલિકાએ આપેલ નોટિસ બાદ સ્વામિનારાયણ હરિભક્ત અને મોરબી બિલ્ડર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ભરત બોપલીયા દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બીએપીએસ સંસ્થા દ્વારા તા.૧૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ દીવાલ માટે નગરપાલિકામાં મંજૂરી માટે અરજી કરી છે. ત્યારે હાલ તેની મંજૂરી મળી નથી અને હાલ જે દીવાલ ચણવામાં આવી છે તે નવી નહિ હોવાનું અને જૂની દીવાલ ઉંચી કરી હોવાનું જણાવી અહીં મોરબીવાસીઓ માટે સુંદર બગીચો, ઘાટ બનાવવામાં આવનાર હોવાનું જણાવી અંતમાં નદી પાસે થયેલ બાંધકામ મામલે પ્રશાસન જે નિર્ણય કરે તે માન્ય હોવાનું જણાવવામાં આવ્યું હતું.