MORBI મોરબી પ્રીમોનસૂન કામગીરી ચોમાસા પછી શરૂ થશે કે શું? કલેક્ટર કચેરી સામેની નદીમાં લીલી વેલથી મચ્છરોને ખુલ્લું આમંત્રણ!







MORBI મોરબી પ્રીમોનસૂન કામગીરી ચોમાસા પછી શરૂ થશે કે શું? કલેક્ટર કચેરી સામેની નદીમાં લીલી વેલથી મચ્છરોને ખુલ્લું આમંત્રણ!


મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રીમોનસૂન કામગીરીના આદેશો, બેઠકો અને આયોજનની જાહેરાતો સતત થઈ રહી છે. પરંતુ જમીન પરની વાસ્તવિક સ્થિતિ અનેક સ્થળોએ અલગ જ ચિત્ર રજૂ કરી રહી હોવાનું જોવા મળે છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાનથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી વચ્ચે પસાર થતી નદીમાં ફેલાયેલી લીલી વેલ અને જળવનસ્પતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે નદીમાં પાણીના પ્રવાહને અવરોધતી લીલી વેલ હજુ પણ યથાવત જોવા મળે છે. સ્થાનિક લોકોના મતે આ સ્થિતિ માત્ર સૌંદર્યને નુકસાન કરતી નથી પરંતુ મચ્છરોના પ્રજનન માટે પણ અનુકૂળ માહોલ ઉભો કરી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ સતત જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે, ત્યારે શહેરના મહત્વના સરકારી વિસ્તારની આવી સ્થિતિ લોકોમાં આશ્ચર્ય પેદા કરી રહી છે.પ્રજાના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો જિલ્લા વહીવટીતંત્રની કચેરી અને નિવાસસ્થાનની આસપાસના વિસ્તારોમાં જ પ્રીમોનસૂન કામગીરી અધૂરી હોય તો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કેવી હશે? પ્રીમોનસૂન કામગીરીનો મૂળ હેતુ વરસાદ પહેલાં પાણીના નિકાલના માર્ગો સાફ કરવા, નદી-નાળા અને હોકળાઓમાંથી અવરોધ દૂર કરવા તથા આરોગ્ય જોખમો ઘટાડવાનો હોય છે.

વિશ્લેષકોનું માનવું છે કે પ્રીમોનસૂન કામગીરી માત્ર કાગળ પરના અહેવાલો અને બેઠકો પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. જો વરસાદ શરૂ થયા બાદ સફાઈ અને વેલ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે તો તેનો હેતુ જ ખોરવાઈ જશે. કારણ કે વરસાદી પાણીનો પ્રવાહ શરૂ થયા પછી આવી વનસ્પતિ વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને પાણી ભરાવાની સમસ્યા વધારી શકે છે.
શહેરના જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક અસરથી નદીમાં ફેલાયેલી લીલી વેલ દૂર કરાવે, મચ્છરોના ઉપદ્રવ સામે અસરકારક પગલાં ભરે અને પ્રીમોનસૂન કામગીરીના દાવાઓને વાસ્તવિક કામગીરીમાં ફેરવે. કારણ કે ચોમાસા પહેલાંની તૈયારીનું મૂલ્યાંકન જાહેરાતોથી નહીં, પરંતુ મેદાનમાં દેખાતા પરિણામોથી થાય છે.
હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરે છે કે પછી પ્રજા ફરી એકવાર વરસાદી સમસ્યાઓનો સામનો કરવા મજબૂર બને છે.



