
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આજરોજ આહવા તાલુકા શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષયક જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સંચાલક ભાઈઓ-બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે. શાળાના બાળકોને રૂટિન મેનુ સાથે સાથે આવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત રીતે પીરસવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ સ્પર્ધા પીએમ પોષણ યોજના હેઠળ કાર્યરત માનદ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે આયોજિત કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલ સંચાલકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ આયોજીત આ સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ત્રણ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.




