ભરૂચમાં બૂટલેગર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી:મારવાડી ટેકરા પર ગેરકાયદે કેબિન તોડી પડાઈ, અસામાજિક તત્વોમાં ફફડાટ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એ ડિવીઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાં બૂટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશા દીવાનની ગેરકાયદે કેબિન તોડી પાડી છે.
આ કાર્યવાહી રાજ્યવ્યાપી અભિયાનનો એક ભાગ છે. અમદાવાદના વસ્ત્રાલમાં થયેલી ઘટના બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકમાં જ રાજ્યભરના ગુનેગારોની યાદી તૈયાર કરી છે. ભરૂચ પોલીસે 19 માર્ચે 13 અસામાજિક તત્વોના ઘરે DGVCL સાથે તપાસ કરી હતી. આ દરમિયાન કુખ્યાત બૂટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થના ઘરેથી રૂ. 3.80 લાખનો વીજ ઓવરલોડ પકડાયો હતો.
આજે શુક્રવારે પોલીસે નગરપાલિકાની દબાણ શાખા સાથે મળીને ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ હવે ગેરકાયદે બાંધકામ અને વીજચોરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે.




