MORBI:મોરબી જિલ્લાનું ગૌરવ : સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના બાર ગ્રંથોનું પ્રકાશન




MORBI:મોરબી જિલ્લાનું ગૌરવ : સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના બાર ગ્રંથોનું પ્રકાશન


મોરબી, તા. ૦પ/૦૯/૨૦૨૬ – મોરબી ઔદ્યોગિક નગરી તરીકે સુખ્યાત છે, સાથે સાથે કલા-સાહિત્ય ક્ષેત્રે પણ એટલી જ સમૃદ્ધ છે. આવા સાહિત્યકારોમાં સર્જક, વિવેચક, સંશોધક અને સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ સુવિદિત છે. તેઓએ ૩૫ વર્ષ સુધી અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે અને હાલ નિવૃત્તિ બાદ પણ સતત સાહિત્ય સર્જનમાં પ્રવૃત્ત છે.

ડૉ. જેતપરિયાએ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ જીવા ભગતની હસ્તપ્રતોમાં રહેલા સંતસાહિત્ય પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવેલ છે, જે ગુજરાતી સંતસાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન છે. આ વર્ષે તેમના બાર ગ્રંથોનું પ્રકાશન થયું છે, તેમાં ‘જીવાભગતનાં ભજનો’ – ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત, જેનું વિમોચન માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ‘રંગ છે લખનજી!’ નવલકથા – પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત. સંશોધન અને સંપાદનલક્ષી નવ ગ્રંથો – વિજ્યા ગ્રાફિક્સ, સુરત દ્વારા પ્રકાશિત.

આમ, પ્રકાશિત ગ્રંથોમાં સંશોધન, સંપાદન, નવલકથા અને ચરિત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા તેમના સંશોધન-સંપાદનના વધુ ચાર ગ્રંથો, ત્રણ વાર્તાસંગ્રહો અને કાવ્યાસ્વાદના બે ગ્રંથો આવનાર સમયમાં પ્રકાશિત થનાર છે, જે મોરબી જિલ્લાના સાહિત્યજગત માટે ગૌરવશાળી ઘટના છે.
પ્રો. જેતપરિયાસાહેબ અધ્યાપનની સાથે જાહેર કાર્યક્રમો, સત્સંગ-કથાઓમાં સભા સંચાલક તરીકે, દોઢ દાયકા સુધી ચૂંટણી તાલીમ અધિકારી તરીકે અને અનેકવિધ સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ૩૫ વર્ષના અધ્યાપનકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઘડતર માટે તેમણે સતત પુરુષાર્થ કર્યો છે.

સતત પ્રવૃત્તિ દ્વારા કર્મશીલ વ્યક્તિત્વ ધરાવતા, પ્રમાણિક અને નિષ્ઠાવાન અધ્યાપક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયા મોરબી જિલ્લાનું ગૌરવ છે.મોરબી વાત્સલ્ય ન્યુઝ પરિવાર તેમની આ સાહિત્યિક સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.


