
જીએસટી અધિકારીઓની ગાડી પર ટોળાનો હુમલો વિજાપુરમાં કાયદો-વ્યવસ્થાને પડકારતી ઘટના
વિજાપુર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા કરતી ગંભીર ઘટના સામે આવી છે. વિજાપુરના ગોવિંદપુરા સ્થિત તમાકુ માર્કેટયાર્ડમાં તપાસ માટે પહોંચેલી જી.એસ.ટી. વિભાગની ટીમ પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા વેપારી વર્ગ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, જી.એસ.ટી. અધિકારીઓ તેમની અર્ટિગા કારમાં ગોવિંદપુરા તમાકુ માર્કેટમાં રૂટિન તપાસ કે દરોડાની કાર્યવાહી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક સ્થળ પર હાજર લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને અધિકારીઓની ગાડી નિશાન બનાવી હતી. ટોળાએ ગાડી પર પથ્થરમારો કરી તોડફોડ મચાવી, જેના કારણે કારના કાચ અને હેડલાઇટને ભારે નુકસાન પહોંચ્યું હતું.
સદનસીબે આ ઘટનામાં કોઈ અધિકારીને ગંભીર ઇજા પહોંચી નથી, તેમ છતાં સરકારી ફરજમાં વિઘ્ન અને હુમલાની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વિજાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.અધિકારી ની કાર પોલીસે પોલીસ મથકે લાવી મૂકી છે પરંતુ
પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી વિલંબ થઈ રહ્યો છે જેને લઈ ભારે તર્ક વિતર્ક ઉભા થવા પામ્યા છે.તમાકુ માર્કેટ માં ફક્ત ખેડૂતો ખેત પેદાશ ની વસ્તુ ઓ વેચાણ માટે આવતા હોય છે.અહી ફક્ત ખેડૂતો દ્વારા કાચો માલ આવતો હોય છે તો પછી જીએસટી અધિકારીઓ ને અહીં આવવા નો મતલબ શુ હતો તેવા ઘણા પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.




